Site icon Revoi.in

રાજકોટમાં વરસાદે લોકમેળાની રંગત બગાડી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Social Share

રાજકોટઃ શહેરમાં રવિવારે 7 ઈંચ વરસાદ પડ્યા બાદ આજે પણ બપોર સુધીમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયામ વરસાદે લોક મેળાની રંગત બગાડી છે. મેળાના ગ્રાઉન્ડ પર પાણી ભરાતા સ્ટોલધારકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદને કારણે જિલ્લાના 27 જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે.

રાજકોટ શહેરમાં આજે સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે રાત્રિના 12 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગઇકાલે રવિવારે 24 કલાકમાં કુલ 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે સિઝનનો કુલ વરસાદ 24 ઇંચ નોંધાઈ ચૂક્યો છે. સવારથી સમયાંતરે પડતા વરસાદના ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. લોકો જન્માષ્ટમીના પર્વની સાથે સાથે વરસાદની મજા પણ માણી રહ્યા છે. જો કે, આ વખતે લોકમેળાની મજા લોકો માણી શકશે નહીં. સતત બે દિવસથી પડી રહેલા વરસાદના પગલે જિલ્લાના 27 પૈકી 11 જળાશયોમાં 0.16 થી 4.92 ફૂટ સુધી નવા નીરની આવક થવા પામી છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે રાજકોટ શહેરમાં આજે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રવિવારે 7 ઇંચ બાદ આજે 10 વાગ્યા સુધીમાં વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે શહેરના કાલાવડ રોડ, નાના મવા રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિત તમામ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. અને ઠેર ઠેર રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

રાજકોટમાં ગઈકાલે રાતથી મેઘરાજાની સવારી આવી પહોંચતાં રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો વરસાદમાં ધોવાઈ ગયો હતો. વરસાદને કારણે મેળામાં ઠેર-ઠેર પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. આ ઉપરાંત મોટી રાઈડસ પણ હજુ ચાલુ ન થતાં વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વરસાદને કારણે પબ્લિક ન આવતાં વેપારીઓને નુકસાનીનો ભય સતાવી રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં વરસાદને લીધે છેલ્લા 24 કલાકમાં જળાશયમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેમાં
ભાદર ડેમમાં 0.66 ફૂટ, આજી-1 ડેમમાં 1.31 ફૂટ, સુરવો ડેમમાં 0.16 ફૂટ, ગોંડલી ડેમમાં 2.95 ફૂટ, વાછપરી ડેમમાં 2.82 ફૂટ, વેરી ડેમમાં 0.92 ફૂટ, ન્યારી-1 ડેમમાં 1.15 ફૂટ, ફાડદંગ ડેમમાં 1.97 ફૂટ, લાલપરી ડેમમાં 2.82 ફૂટ, કરમાળ ડેમમાં 4.92 ફૂટ અને કર્ણુકી ડેમમાં 0.33 ફૂટની  નવી આવક થઈ છે. આ ઉપરાંત ભાદર 2 ડેમનો એક દરવાજો 0.533 મીટર ખોલવામાં આવ્યો છે,