ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના, અરબી સમુદ્રમાં 25 ફુટ ઉંચા મોજા ઉછળવાની આશંકા
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધતું હોવાથી ગુજરાત ઉપરથી વાવાઝોડાનું સંકટ હાલ તો ટળ્યું છે, જો કે, વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શકયતા છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં 25 ફુટથી વધુની ઉંચાઈના મોજા ઉછળવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.
અમદાવાદમાં IMDના હવામાન કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, તમામ બંદરોને રિમોટ વોર્નિંગ સિગ્નલ લગાવવા માટે કહેવામાં આવ્યું છે. આગામી 36 કલાકમાં બિપોરજોય તોફાન વધુ તીવ્ર બનશે. જેના કારણે ગુજરાતના માછીમારોને દરિયાકાંઠે પરત બોલાવવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના દરિયા કિનારે આવેલા 22 ગામડાઓમાં અંદાજે 76,000 લોકોને સલામત સ્થળે ખસેડવાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. ચક્રવાત બિપોરજોયના કારણે અરબી સમુદ્રમાં 25-28 ફૂટ ઊંચા મોજા ઉછળવાની આશંકા છે. આ વર્ષે અરબી સમુદ્રમાં પ્રથમ ચક્રવાત બિપોરજોયને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ચક્રવાતને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
ગુજરાત સરકારે સંભવિત વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સાબદુ કરી નાખ્યું છે. એનડીઆરએફ સહિતની રેસ્ક્યુ ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી રહી છે. આ ઉપરાંત સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આગોતરુ આયોજન કર્યું છે. જો કે, વાવાઝોડુ ઓમના તરફ આગળ વધી રહ્યું હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમ છતા દરિયાકાંઠા વિસ્તારના લોકોએ એલર્ટ રહેવા માટે તાકીદ કરાઈ છે.