અમદાવાદ,18 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. અને ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. ત્યારે કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવતા પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે મહીસાગર, બનાસકાંઠા સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાતાવરણ વાદળછાંયુ જોવા મળ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને રવિ પાક જેવા કે ઘઉં, જીરું અને રાયડાના પાકને આ માવઠાથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાતમાં આજે વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવતા આકાશમાં વાદળો છવાયા હતા. જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ગોધરા શહેર સહિત ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. બે દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, તે દરમિયાન આજે વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. કમોસમી વરસાદી ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત બનાસકાંઠાના અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા છે. વાતાવરણમાં પણ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જો કમોસમી વરસાદ પડે તો ઘઉંના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. વાતાવરણમાં પલટો થતાં ખેડૂતોને જીવ તાળવે ચોંટ્યા છે.
આજે વહેલી સવારે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વાવેતર કરેલા પાકમાં જીવાત પડવાની ખેડૂતોને ભીતિ છે. આંબા પર આવેલા મોરમાં પણ વાતાવરણની અસર થઈ શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધુમ્મસની આગાહી છે.

