સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, અંજારમાં 9 ઈંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં હજુ પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, કચ્છમાં મેઘતાંડવ સર્જાયુ હોય તેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અંજારમાં સૌથી વધારે નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. કચ્છમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
રાજ્યમાં હાલ છંડરસ્ટ્રોમ એક્ટિવીટી જોવા મળી રહી છે. જેના પગલે વરસાદી માહોલ જામ્યો છે, અમદાવાદ શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું છે અને પવન ફુંકાયો હતો તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. બીજી તરફ કચ્છમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં હોવાથી ઠેર-ઠેર જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. અંજારમાં સૌથી વધારે નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે માંડવીમાં સાડા આઠ ઈંચ, ભૂજ અને મુંદ્રામાં 8-8 ઈંચ. રાપરમાં પોણા 8 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે નખત્રાણામાં 7 ઈંચ, જામનગરમાં 6.5, ગાંધીધામમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. જામનગરમાં સાડા 6 ઈંચ અને ખંભાળીયામાં સવા પાંચ અને દ્વારકામાં પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. બનાસકાંઠા,મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે, એટલું જ નહીં ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આકાશ વાદળછાયુ રહ્યું હતું. વરસાદને કારણે રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ છે.