
અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના અમીરગઢમાં સવા 2 ઈંચ, પોશિનામાં પોણા 2 ઈંચ, ખેડબ્રહ્મામાં પોણા 2 ઈંચ, વિજયનગરમાં 1.5 ઈંચ, વડાલીમાં 1 ઈંચ, ભીલોડામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો. કડી, તલોદ, ધનસુરા તાલુકામાં વરસાદ, માલપુર, ઈડર, ખાનપુર તાલુકામાં વરસાદ, ખંભાત, ગરબાડા, કપરાડા તાલુકામાં અને ગાંધીનગર, આણંદમાં વરસાદ નોંધાયો હતો. દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઇ છે. આ ઉપરાંત મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ આગામી હવામાન અંગે જણાવ્યુ કે, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં છૂટીછવાઇ જગ્યાઓ પર હળવો વરસાદ થઇ શકે છે. હાલ ગુજરાત પર વરસાદ પડે એવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. આ સાથે ચોમાસું પણ હજી ગુજરાત આવવાની વાર છે. હજી ચોમાસું દક્ષિણમાં જ છે. જેથી હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદની શકયતાઓ નહીંવત છે. તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં હાલ ભેજનું પ્રમાણ વધારે છે. હાલ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. જેમકે તાપી, ડાંગ, સુરત, વડોદરામાં પણ વરસાદ થઇ શકે છે પરંતુ ઘણો જ સામાન્ય વરસાદ પડી શકે છે.