Site icon Revoi.in

ગુજરાતમાં હજુ સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે, 5 જિલ્લમાં ઓરેન્જ એલર્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં જુનાગઢના માંગરોળમાં 3.5 ઈંચ, તેમજ જામનગરના જોડિયા, ધ્રોળ, સહિત તાલુકામાં દોઢથી અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે બપોરે 12 વાગ્યાથી અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયો હતો. દરમિયાન ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એક અઠવાડિયા દરમિયાન વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક છૂટછવાયો વરસાદ રહી શકે છે. જેમાં કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજસ્થાન પર જે ડિપ્રેશન બનેલું છે તેની અસરથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ હળવો વરસાદી માહોલ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેવાની આગાહી કરવામાં આવી છે. બે દિવસ પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજના દિવસે અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે- જેમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી અને જામનગરનો સમાવેશ થાય છે. જ્યાં અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. 20 જૂને પણ કચ્છ, મોરબી અને જામનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે

હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, આવતી કાલે તા.  21થી 25 જુલાઈ દરમિયાન થંડર્સ્ટોર્મ એક્ટિવિટી ચેતવણી પણ આપવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગના નક્શામાં વ્યક્ત કરાઈ છે.

વરસાદ થવાના કારણે અંગે રામાશ્રય યાદવ જણાવે છે કે, હાલ પણ ડિપ્રેશન ઉત્તર-પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પશ્ચિમ તરફ રહેલું છે. જેની આગામી 12 કલાકમાં ગતિ પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફનું રહેશે અને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. જ્યારે 20મી તારીખે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે