
ગુજરાતમાં વરસાદી માહોલઃ અત્યાર સુધી સિઝનનો 9 ટકા વરસાદ વરસ્યો
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિધીવત એન્ટ્રી થઈ ચુકી છે અને રાજ્યના અનેક ભાગોમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં 9 ટકા જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે.જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, કચ્છમાં વરસાદ પડી શકે છે. ગઈકાલે રાજ્યના 26 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ, ખેડામાં સાડા ત્રણ ઈંચ, ખેડા જિલ્લાના માતરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યના 124 તાલુકા અત્યારસુઘી કુલ ૨થી પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં ખેડા, માતર, કાલાવાડ, માંડલ, ઘોઘંબાનો સમાવેશ થાય છે. જેમાં ખેડા જિલ્લાના માતરમાં બપોરે ૨થી ૪માં બે ઈંચ, ખેડામાં બે કલાકમાં અઢી ઈંચ ઈંચ, ખેડાના કઠલાલમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. કડી, રાજકોટ, પાદરા, મુલી, દસાડા, વડિયા, ટંકારા, ધોળકા, વાંકાનેર, કોટડા સંઘાણા, નડિયાદ, દેત્રોજ, ગોંડલ, ખંભાત, કપરાડામાં એકાદ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. 47 તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે અને ચોમાસુ પાકની તૈયારીમાં જોતરાયાં છે. ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.