
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ તેજ ગતિથી વધતા હોવાથી સરકાર દ્વારા અમદાવાદ સહિતના શહેરોમાં કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. તેમજ ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. માત્ર ધાર્મિક રીતે જ હોળી પ્રગટાવી શકશે. બીજી તરફ વિવિધ મંદિરમાં હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે, આ વર્ષે મંદિરોમાં હોળી મહોત્સવની ઉજવણી કરવામાં નહીં આવે. ભક્તો સરકારની ગાઈડલાઈન અનુસાર ભગવાનના દર્શન કરી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા ધૂળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે, ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવશે. અમદાવાદમાં ઈસ્કોન, સોલા ભાગવત સહિતના મંદિરોમાં દર વર્ષે ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે, કોરોના મહામારીને પગલે મોટા મંદિરોમાં ધુળેટીની સામૂહિક ઉજવણી કરવામાં નહીં આવે. ભાવિકોને કોરોના ગાઈડલાઈન સાથે માત્ર દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં કોઈ મોટા ધાર્મિક કાર્યક્રમો કે મેળાવડા નહીં યોજવામાં આવે.
કોરોના મહામારી પગલે શહેરમાં ભીડ એકઠી કરવી યોગ્ય ન હોવાથી તમામ મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. ત્યારે હોળીની ધાર્મિક વિધીઓમાં માત્ર પૂજારી અને મંદિરના મહંતો જ હાજર રહેશે. સાથે મંદિરમાં મેળાવડા સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. બીએપીએસના સ્વામી અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું છેકે મંદિરમાં કોઈ કાર્યક્રમ થશે નહીં. ધુળેટીના દિવસે સવારે 6થી 8:30 દરમિયાન ઓનલાઈન ઉજવણી થશે. જેમાં મહંતસ્વામી મહારાજના દર્શન, આશીર્વાદ સાથે હરિભક્તો ઘેરબેઠાં ભગવાનનું પૂજન કરીને ઉજવણી કરશે.