મુંબઈ, 24 ઓગસ્ટ 2026: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને ફિલ્મ ‘ડૉન ૩’ ના નિર્માતાઓ વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. રણવીર સિંહે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) ને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, તે આ વિવાદથી દૂર રહે. અભિનેતાનું માનવું છે કે આ મામલો સંપૂર્ણપણે તેમના અને ફિલ્મના નિર્માતા ફરહાન અખ્તર તથા રિતેશ સિધવાની વચ્ચેનો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રણવીર સિંહ પોતાની વાત પર અડગ છે કે કોઈપણ ઉદ્યોગ સંસ્થાએ આ મામલામાં દખલગીરી ન કરવી જોઈએ. અભિનેતાના વકીલોનું માનવું છે કે, FWICE અથવા IMPPA જેવી સંસ્થાઓના અધિકારક્ષેત્રમાં આ મામલો આવતો નથી, તેથી તેમણે આનાથી દૂર રહેવું જોઈએ. જો કે, બીજી તરફ IMPPA ના પ્રમુખ અભય સિંહનું કહેવું છે કે એસોસિએશન તેના પોતાના નિયમ અને માળખા હેઠળ જ કામ કરે છે. સામાન્ય રીતે ઉદ્યોગ સાથે જોડાયેલા વિવાદોને ઉકેલવા માટે આવી સંસ્થાઓ આગળ આવતી હોય છે, પરંતુ પ્રોડ્યુસર્સ સાથે સીધી વાતચીત નિષ્ફળ ગયા બાદ જ આ મામલો ઇન્ડસ્ટ્રી બોડી સુધી પહોંચ્યો છે.
વર્ષ 2023 માં એલાન કરવામાં આવ્યું હતું કે, અગાઉ અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન દ્વારા ભજવાયેલા લોકપ્રિય ‘ડૉન’ પાત્રમાં હવે રણવીર સિંહ જોવા મળશે અને ફરહાન અખ્તર આ ફિલ્મના દિગ્દર્શક હશે. પરંતુ, ડિસેમ્બર 2025 સુધીમાં રણવીર આ પ્રોજેક્ટથી અલગ થઈ ગયો હતો. શરૂઆતમાં આ માત્ર પ્રોજેક્ટ છોડવાનો મામલો લાગતો હતો, પરંતુ બાદમાં આ વિવાદ આર્થિક નુકસાન અને વળતર સુધી પહોંચ્યો હતો. એક દાવા મુજબ, પ્રોજેક્ટ અટક્યો ત્યારે પ્રી-પ્રોડક્શન પાછળ અંદાજે 45 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો હતો. પ્રોડ્યુસર્સે રણવીર સિંહ પાસેથી આ નુકસાન માટે વળતરની માંગણી કરી છે.
-
રણવીરનો સમાધાન પ્રસ્તાવ
સુત્રોના જણાવ્યા અનુસાર, રણવીરના કેમ્પે પ્રોડ્યુસર્સને ભવિષ્યના સહયોગ માટે 25 કરોડ રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 10 કરોડ રૂપિયા પહેલેથી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેથી સેટલમેન્ટ 35કરોડ રૂપિયા પર પહોંચી શકે. જો કે, પ્રોડ્યુસર્સે આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. આ સમગ્ર વિવાદ વચ્ચે રણવીરે પોતાના આગામી પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘પ્રલય’ માં નજરે પડશે, જેને તે પોતાના બેનર ‘મા કસમ ફિલ્મ્સ’ હેઠળ પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે.


