બાયડના માધવ કંપા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’ નો પ્રારંભ
- મનુષ્ય તરીકે ભારત ભૂમિ પર જન્મ મળવો એ સૌભાગ્યની વાત છેઃ પરમ પૂજ્ય સિદ્ધેશ્વરદાસજી મહારાજ, ટોરડા ધામ, ભિલોડા (અરવલ્લી)
બાયડ, 10 મે, 2026 – બાયડના માધવ કંપા ખાતે RSSના ‘સંઘ શિક્ષા વર્ગ’ નો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉત્તર ગુજરાત પ્રાંતના ‘સંઘ શિક્ષા વર્ગ’નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ બાયડના માધવ કંપા સ્થિત પંચશીલ વિદ્યાલય ખાતે થયો છે. આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્તર ગુજરાતના 8 જિલ્લાઓમાંથી કુલ 141 શિક્ષાર્થીઓ અને 20 શિક્ષકો સહભાગી થયા છે.

શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ
આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ સંઘ કાર્યનો વિસ્તાર, સંઘ દ્રઢીકરણ અને સમાજ જાગરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ મેળવશે. આ ઉપરાંત દૈનિક જીવનમાં સમયનું મહત્ત્વ, સ્વચ્છતા અને ‘પંચ પરિવર્તન’ જેવા પાયાના વિષયો પર પણ પ્રશિક્ષણ આપવામાં આવશે. વર્ગ દરમિયાન અખિલ ભારતીય અધિકારી શ્રી રવિજી જોશી, શ્રી અનંતજી, પ્રાંત પ્રચારક શ્રી નિમેશભાઈ પટેલ, સહ પ્રાંત પ્રચારક શ્રી કુણાલભાઈ રૂપપરા તથા પ્રાંતના અધિકારીઓ ઉપસ્થિત રહી સ્વયંસેવકોને પાથેય પૂરું પાડશે.
મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
વર્ગનો ઉદ્ઘાટન સમારોહ ભિલોડા (અરવલ્લી)ના ટોરડા ધામના મહંત પરમ પૂજ્ય સિદ્ધેશ્વરદાસજી મહારાજના આશીર્વચન સાથે યોજાયો હતો. આ પ્રસંગે વર્ગના સર્વાધિકારી શ્રી ભીખાભાઈ પટેલ, વર્ગ કાર્યવાહ ડૉ. ભાવેશભાઈ પટેલ અને ગુજરાત પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના આશીર્વાદનમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે, “મનુષ્ય તરીકે ભારત ભૂમિ પર જન્મ મળવો એ સૌભાગ્યની વાત છે.” તેમણે છત્રપતિ શિવાજી મહારાજ, ગોપાલાનંદ સ્વામી અને નંદ રાજા જેવા મહાપુરુષોના ઉદાહરણો આપી રાષ્ટ્ર અને ધર્મ માટે સમર્પિત થવાની પ્રેરણા આપી હતી. તેમણે ઉમેર્યું કે સંઘમાં સૌ નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરે છે અને અહીં સાદગી, શિસ્ત તથા આત્મીયતાના દર્શન થાય છે.

Rashtriya Swayamsevak Sangh’s ‘Sangh Shiksha Varg’ inaugurated at Madhav Kampa, Bayad
વર્ગ કાર્યવાહ ડૉ. ભાવેશભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષાર્થીઓ અહીં શિસ્ત, સમયપાલન અને સ્વચ્છતાના પાઠ શીખીને સમાજમાં રાષ્ટ્રભાવના જગાડવાનું કાર્ય કરશે. આ વર્ગની વિશેષતા એ છે કે બાયડ અને સાઠંબા વિસ્તારના વિવિધ ગામોમાંથી એક મુઠ્ઠી ધાન યોજના થકી ૩૦૦૦ પરિવારોમાંથી અનાજ એકત્ર કરવામાં આવ્યું, જે સામાજિક એકતા અને ‘પરિવાર ભાવ’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડશે. સમગ્ર વર્ગ દરમિયાન નિવાસ, ભોજન અને વ્યવસ્થાપનની જવાબદારી કુલ ૩૦ પ્રબંધકો દ્વારા કરવામાં આવનાર છે.


