1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રથયાત્રા બનશે અભેદ્ય: એન્ટી-ડ્રોન ગન, ફેસ રેકગ્નિશન સિસ્ટમ અને CCTVના હાઇટેક નેટવર્કથી રખાશે બાજ નજર
રથયાત્રા બનશે અભેદ્ય: એન્ટી-ડ્રોન ગન, ફેસ રેકગ્નિશન સિસ્ટમ અને CCTVના હાઇટેક નેટવર્કથી રખાશે બાજ નજર

રથયાત્રા બનશે અભેદ્ય: એન્ટી-ડ્રોન ગન, ફેસ રેકગ્નિશન સિસ્ટમ અને CCTVના હાઇટેક નેટવર્કથી રખાશે બાજ નજર

0
Social Share

અમદાવાદ, 9 જુલાઈ 2026: આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદ શહેરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રથયાત્રા પૂર્વેની તૈયારીઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય પોલીસવડા જી.એસ.મલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ ટેકનોલોજી અને માનવબળના ઉત્કૃષ્ટ સમન્વયથી સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવા પર ભાર મૂક્યો હતો.

  • રથયાત્રામાં પ્રથમવાર જોવા મળશે આ 5 હાઇટેક સુરક્ષા પ્રકલ્પો

આ વર્ષે રથયાત્રાની સુરક્ષા પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર, રૂટ પર જોડાનાર તમામ હાથીઓની સુરક્ષા અને લાઈવ લોકેશન મોનીટરીંગ માટે આ ખાસ સિસ્ટમ કાર્યરત કરાશે. યાત્રામાં જોડાનાર તમામ ટ્રક અને અખાડાના સંચાલકોના સત્તાવાર આઈડી આધારિત વેરિફિકેશન માટે આ એપનો ઉપયોગ કરવામાં આવશે. ભીડમાં છુપાયેલા શંકાસ્પદ કે અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ફેસ રેકગ્નિશન સિસ્ટમ તૈનાત રહેશે. આકાશી સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે કોઈપણ અનધિકૃત ડ્રોનને તોડી પાડવા એન્ટી-ડ્રોન ગન અને જામર ટીમો રૂટ પર સક્રિય રહેશે. સમગ્ર રથયાત્રાના રૂટ પર હજારો સીસીટીવી કેમેરાના નેટવર્ક દ્વારા કંટ્રોલ રૂમમાંથી લાઈવ સર્વેલન્સ કરવામાં આવશે.

  • સંવેદનશીલ પોઇન્ટ્સ પર ચુસ્ત બંદોબસ્ત અને અટકાયતી પગલાં

બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા રથયાત્રા સુરક્ષાના વ્યાપક એક્શન પ્લાનની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવા તેમજ ઈમરજન્સી મેડિકલ સેવાઓ સુદ્રઢ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.  અધિકારીઓએ જણાવ્યું હતું કે, રૂટના તમામ સંવેદનશીલ પોઇન્ટ્સની મુલાકાત લેવામાં આવી છે, સ્થાનિક અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠકો યોજી સંવાદ સાધવામાં આવ્યો છે, અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી શકે તેવા અસામાજિક તત્વો સામે કડક અટકાયતી પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

આ મહત્વની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સહિત પોલીસ વિભાગના ઉચ્ચ પદાધિકારીઓ અને વિવિધ કેન્દ્રીય તથા રાજ્ય સ્તરની સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ રથયાત્રા સંપૂર્ણ આસ્થા અને ઉત્સાહભર્યા માહોલમાં નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે તમામ તંત્રને એલર્ટ રહેવા આહવાન કર્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code