કાળઝાળ ગરમી અને મોંઘા ઈંધણ છતાં મે મહિનામાં વાહનોનું રેકોર્ડ બ્રેક વેચાણ
નવી દિલ્હી, 8 જૂન 2026: વધતી જતી ઈંધણની કિંમતો, દેશભરમાં પડી રહેલી ભીષણ ગરમી અને પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ના ભૌગોલિક-રાજકીય તણાવ છતાં ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરે મે ૨૦૨૬માં શાનદાર પ્રદર્શન કર્યું છે. પડકારોની વચ્ચે પણ દેશમાં વાહનોની માંગ મજબૂત રહી છે. ઓટો ડીલર્સના સંગઠન ‘ફાડા’ દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ, મે 2026માં વાહનોનું રીટેલ વેચાણ વાર્ષિક ધોરણે 9.6 ટકા વધ્યું છે. મે મહિનામાં દેશભરમાં કુલ 25.31 લાખ વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું. જો કે, એપ્રિલ 2026ની સરખામણીએ વેચાણમાં 6.8 ટકાનો નજીવો ઘટાડો નોંધાયો છે, જેને નિષ્ણાતો મોસમી કારણો અને ચોમાસાની ધીમી શરૂઆત માની રહ્યા છે. ફાડાના મતે, આગામી સમયમાં સારો વરસાદ, ખરીફ પાકની વાવણી અને ગ્રામીણ આવકમાં વધારો ઓટો સેક્ટરને વધુ મજબૂતી આપશે.
મે 2026માં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટે સૌથી આકર્ષક પ્રદર્શન કર્યું છે. આ મહિનામાં કુલ 4,02,591 કારનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 23.3 ટકા વધુ છે. આ તેજીમાં સૌથી મોટો ફાળો ગ્રામીણ બજારોનો રહ્યો છે. ગ્રામીણ અને નાના શહેરોમાં કારનું વેચાણ 30.4 ટકા વધ્યું છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ વૃદ્ધિ 18.8 ટકા રહી છે. ડીલરોના જણાવ્યા મુજબ, એસયુવીનો ક્રેઝ તો યથાવત છે જ, સાથે નાની કારોની માંગમાં પણ ફરી સુધારો જોવા મળ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી પરેશાન ગ્રાહકો હવે સસ્તા વિકલ્પો તરફ વળ્યા છે. મે 2026માં વૈકલ્પિક ઈંધણવાળા વાહનોની માંગ રોકેટ ગતિએ વધી છે. કુલ પેસેન્જર વાહનોના વેચાણમાં CNG કારનો હિસ્સો વધીને 23.3 ટકા થયો છે. તેમજ ઈલેક્ટ્રિક કારનો હિસ્સો 6.6 ટકા નોંધાયો છે. એકંદરે, કુલ કાર વેચાણમાં વૈકલ્પિક ઈંધણ ધરાવતા વાહનોનો હિસ્સો 38 ટકાથી વધુ રહ્યો છે.
-
8.4 લાખ બે પૈડાવાળા વાહનો વેચાયા
ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ મે મહિના દરમિયાન મજબૂત વેચાણ જોવા મળ્યું હતું. દેશમાં કુલ 18.4 લાખ બે પૈડાવાળા વાહનો વેચાયા હતા, જે વાર્ષિક ધોરણે 7.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. શહેરોમાં વેચાણ 11.8 ટકા અને ગામડાઓમાં 4.7 ટકા વધ્યું છે. લગ્નસરાની સીઝન અને સરળ ફાઈનાન્સ વિકલ્પોએ વેચાણને સપોર્ટ કર્યો હતો, જો કે ભારે ગરમીના કારણે શોરૂમની મુલાકાત લેતા ગ્રાહકોની સંખ્યા પર થોડી અસર પડી હતી. ગયા વર્ષે મે 2025માં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનો બજાર હિસ્સો 6.11 ટકા હતો, જે મે 2026માં વધીને 9.25 ટકા થઈ ગયો છે, જે દર્શાવે છે કે ગ્રાહકો હવે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો પસંદ કરી રહ્યા છે.
માલસામાનની હેરફેર અને ઈ-કોમર્સની મજબૂત માંગને કારણે આ સેગમેન્ટ 5.3 ટકા વધીને 83823 યુનિટ પર પહોંચ્યું છે. ખરીફ સીઝનની તૈયારીઓ અને સારી કૃષિ આવકના કારણે ટ્રેક્ટરના વેચાણમાં 11.2 ટકાનો શાનદાર ઉછાળો આવ્યો છે અને કુલ 83092 ટ્રેક્ટર વેચાયા છે. મે 2026 એ ઈલેક્ટ્રિક વાહનો (EV) માટે અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ મહિનો સાબિત થયો છે. પ્રથમ વખત તમામ વાહન કેટેગરીઝમાં ઇવી (EV) નો કુલ હિસ્સો 11 ટકાની ઉપર પહોંચી ગયો છે, જે ભારતીય ઓટો માર્કેટમાં આવી રહેલા મોટા પરિવર્તનનો સંકેત છે.


