વાયુ પ્રદુષણથી યાદશક્તિને થાય છે ગંભીર અસર, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી, 8 જૂન 2026: આપણે દરરોજ જે હવામાં શ્વાસ લઈએ છીએ, તેની હાનિકારક અસર માત્ર ફેફસાં અને હૃદય પૂરતી સીમિત નથી. એક ચોંકાવનારા નવા સંશોધનમાં સામે આવ્યું છે કે વાયુ પ્રદૂષણ આપણા મગજ અને યાદશક્તિને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. ખાસ કરીને ટ્રાફિક, ફેક્ટરીઓ અને જંગલોની આગમાંથી નીકળતા અતિ સૂક્ષ્મ પ્રદૂષક કણો (પીએમ 2.5) માનવીની વિચારવા અને સમજવાની ક્ષમતા (કોગ્નિટિવ ફંક્શન) નબળી પાડી રહ્યા છે.
કેનેડાની ખ્યાતનામ મેકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલો આ અભ્યાસ તાજેતરમાં જ પ્રસિદ્ધ મેડિકલ જર્નલ ‘સ્ટ્રોક’માં ઓનલાઈન પબ્લિશ કરવામાં આવ્યો છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધારે હતું, ત્યાં રહેતા લોકોની યાદશક્તિ, તાર્કિક ક્ષમતા અને માનસિક ગતિ ઘણી નબળી જોવા મળી હતી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ ખરાબ અસર એવા વિસ્તારોમાં પણ જોવા મળી છે જ્યાં પ્રદૂષણનું સ્તર આંતરરાષ્ટ્રીય માપદંડો (ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ) પ્રમાણે ઓછું કે સલામત માનવામાં આવે છે. એટલે કે, પ્રદૂષણનું ઓછું સ્તર પણ મગજ માટે જોખમી છે.
અભ્યાસ દરમિયાન એમઆરઆઈ સ્કેન દ્વારા જાણવા મળ્યું છે કે જે લોકો ટ્રાફિકથી થતા પ્રદૂષણના સતત સંપર્કમાં રહે છે, તેમના મગજમાં સૂક્ષ્મ ઈજા અથવા ક્ષતિના સંકેતો દેખાયા છે. પુરુષોની સરખામણીએ મહિલાઓના મગજ પર આ પ્રદૂષણની અસર વધુ સ્પષ્ટ અને ઘાતક જોવા મળી છે. સંશોધકોએ હાઈ બીપી, ડાયાબિટીસ અને શરીરની ચરબી જેવા હૃદયરોગના જોખમોને અલગ રાખીને પણ આકલન કર્યું, તોય વાયુ પ્રદૂષણ અને મગજની નબળાઈ વચ્ચેનો આ સીધો સંબંધ અકબંધ રહ્યો હતો.
-
ડિમેન્શિયા (અલ્ઝાઈમર) અચાનક નથી થતો: દાયકાઓનું ધીમું ઝેર
મેકમાસ્ટર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ મેથડ્સના એસોસિએટ પ્રોફેસર રસેલ ડી સૂઝાના જણાવ્યા અનુસાર, “ડિમેન્શિયા (યાદશક્તિ ગુમાવવાની બીમારી) અચાનક થતો રોગ નથી. તે દાયકાઓ સુધી મગજમાં ધીમે-ધીમે વિકસે છે. પ્રદૂષણ જેવા પરિબળો શરૂઆતના તબક્કામાં જ મગજને નુકસાન પહોંચાડે છે.” જો કે આ સ્ટડી સીધો એવો દાવો નથી કરતો કે પ્રદૂષણ જ ડિમેન્શિયાનું મુખ્ય કારણ છે, પરંતુ તે એ વૈજ્ઞાનિક પુરાવાઓને મજબૂત કરે છે કે હવાની ગુણવત્તા ઉંમર વધવાની સાથે આપણી વિચારવાની ક્ષમતાને ચોક્કસ પ્રભાવિત કરે છે.
આ અભ્યાસના મુખ્ય લેખિકા આસિસ્ટન્ટ પ્રોફેસર સેન્ડી અઝાબે જણાવ્યું હતું કે, “કેનેડાની હવાને સામાન્ય રીતે ચોખ્ખી માનવામાં આવે છે, પરંતુ અમારા તારણો દર્શાવે છે કે પ્રદૂષણનું ઓછું સ્તર પણ બ્રેઈન હેલ્થ (મગજની તંદુરસ્તી) ને બગાડી શકે છે. આ ફેરફારો ઘણીવાર કોઈપણ લક્ષણો વિના વર્ષો પહેલાં જ શરૂ થઈ જાય છે.” મગજ પર થતી અસરોને સમજવા માટે વૈજ્ઞાનિકોએ મધ્યમ વયના (મિડલ એજ્ડ) આશરે 7 હજાર લોકોના ડેટા અને સ્વાસ્થ્યનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું હતું. તેમણે પીએમ 2.5 અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા પ્રદૂષકોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી થતી અસરો ચકાસી હતી. નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં થનારા વધુ લાંબા ગાળાના સંશોધનો એ સાબિત કરશે કે મગજ અને યાદશક્તિને સુરક્ષિત રાખવામાં ‘સ્વચ્છ હવા’ કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે.


