Site icon Revoi.in

લાલ મરચાના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 200થી 250 સુધીનો તોતિંગ વધારો

Social Share

અમરેલી, 22 એપ્રિલ 2026: Red chilli prices increase મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. ત્યારે ખાદ્ય ચિજ-વસ્તુના ભાવમાં પણ વધારો થતો જાય છે. ગૃહિણીઓ દ્વારા લાલ મરચા દળાવીને મસાલાનો 12 મહિનોનો સ્ટોક કરાતો હોય છે. એટલે મસાલા ભરવાની સીઝનમાં લાલ મરચાના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મરચાના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 200 થી 250 રૂપિયાનો ધરખમ વધારો ઝીંકાયો છે. ઉત્પાદનમાં ઘટાડો અને વધતી માંગને કારણે લાલ મરચાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. કશ્મીરી મરચું હોય કે દેશી, દરેક વેરાયટીમાં ભાવ વધારાએ ગ્રાહકોની ચિંતા વધારી દીધી છે.

લાલ મરચાના ભાવમાં છેલ્લા એક વર્ષ દરમિયાન નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રોજિંદા રસોડામાં મહત્વ ધરાવતા મરચા અને મરચું પાવડર હવે ગ્રાહકો માટે મોંઘા બન્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ માંગ વધવા અને ઉત્પાદન ઓછું રહેવાના કારણે બજારમાં ભાવમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. લાલ મરચાના વેપારીઓના કહેવા મુજબ મરચાના ભાવમાં આવો વધારો પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. હોલસેલ માર્કેટમાં મરચાના ભાવમાં અંદાજે 100 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે રિટેલ બજારમાં 200 થી 250 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. આથી સામાન્ય ગ્રાહકોને સીધી અસર પડી રહી છે.

અમરેલી માર્કેટમાં મરચું પાવડર 500 થી 550 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યું છે, જ્યારે ગત સીઝનમાં આ જ ભાવ 350 થી 400 રૂપિયા વચ્ચે હતો. એટલે કે એક વર્ષમાં લગભગ 150 થી 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. બીજી તરફ, કશ્મીરી મરચું પાવડરનો ભાવ તો 600 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે, જે મોંઘવારીનું વધુ એક ઉદાહરણ છે.  મરચા લાંબા (સૂકા મરચા)ના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે મસાલા ઉદ્યોગ અને નાના વેપારીઓ પર પણ અસર પડી રહી છે. ઉત્પાદનમાં ઘટાડો, હવામાનની અનિશ્ચિતતા અને ખેતી ખર્ચમાં વધારો – આ બધા કારણો ભાવવધારા માટે જવાબદાર માનવામાં આવે છે

ખેડૂતો માટે આ સ્થિતિ મિશ્ર પરિણામ લાવી રહી છે. એક તરફ વધારે ભાવને કારણે આવકમાં વધારો થવાની શક્યતા છે, તો બીજી તરફ ઉત્પાદન ઓછું હોવાથી તેમને પૂરતો લાભ મળતો નથી. વેપારીઓ માને છે કે જો આગામી સીઝનમાં ઉત્પાદન વધશે તો ભાવમાં થોડી સ્થિરતા આવી શકે છે. આ રીતે મરચાના ભાવમાં આવેલા વધારાએ ઘરેલુ બજેટ પર અસર કરી છે અને રસોડાના ખર્ચમાં વધારો થયો છે. આગામી દિવસોમાં બજારની સ્થિતિ કેવી રહે તે હવે ઉત્પાદન અને માંગ પર નિર્ભર રહેશે.

Exit mobile version