- ભારતમાં જાન્યુઆરી 2021થી વેક્સીન આપવાનું કામ શરૂ થઇ શકે છે
- ગુજરાતમાં એક જ દિવસમાં 15 લાખ કરતાં વધુ રસી અપાઇ શકે છે
- રાજ્યમાં વેક્સીન આપવા માટે 15,000 વેક્સીનેટર ઉભા કરવામાં આવ્યા છે
ગાંધીનગર: કોરોનાની વેક્સીન હવે ટૂંક સમયમાં આવી શકે છે ત્યારે ગુજરાત સરકારે દાવો કર્યો છે કે એકવાર વેક્સીન આવ્યા પછી એક જ દિવસમાં 15 લાખ કરતાં વધુ લોકોને વેક્સીન આપી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન અનુસાર ભારતમાં જાન્યુઆરી 2021થી વેક્સીન આપવાનું કામ શરૂ કરવામાં આવી શકે છે. રાજ્ય સરકારે દાવો કર્યો છે કે જો સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે તો એક દિવસમાં 15 લાખ લોકોને વેક્સીન આપી શકાય તેમ છે.
રાજ્યમાં વેક્સીન આપવા માટે 15,000 વેક્સીનેટર ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં એક દિવસમાં અંદાજે 100 જેટલા લોકોને રસી આપવામાં આવી શકે છે. આ હેલ્થ સેન્ટર પર નર્સ અને એમબીબીએસ ડોક્ટર અને મેડિકલ ઓફિસર્સ પણ હશે.
હેલ્થ વિભાગના મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ મચ્છરે જણાવ્યં કે, અમદાવાદમાં 683 જગ્યાઓ પર કોરોના વેક્સીન આપવા માટેની વ્યવસ્થા ઉભી કરાઈ છે. વધુમાં તેમણે ઉમેર્યું કે જરુરિયાત પડવા પર આ સંખ્યા વધારી શકાશે.
પાછલા અઠવાડિયે કેન્દ્રની ટીમ દ્વારા રાજ્યની ટીમને ટ્રેનિંગ આપવામાં આવી છે. જેમાં ડિસ્ટ્રીક હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે આ અધિકારીઓ બ્લોક લેવલ પર અન્ય લોકોને ટ્રેનિંગ આપશે.
ગુજરાતમાં ચાર તબક્કામાં કોને ક્યારે મહત્વ પ્રમાણે રસી આપવામાં આવશે તેનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે તે પ્રમાણે સૌથી પહેલા તબક્કામાં 4 લાખ હેલ્થવર્કર્સને રસી આપવામાં આવશે.
આ પછી બીજા તબક્કામાં અન્ય ફ્રન્ટલાઈન કર્મચારીઓ જેવા કે પોલીસ સ્ટાફ, સેનિટાઈઝેશન સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને એ લોકો કે જેઓનો પહેલા તબક્કામાં સમાવેશ નથી કરાયો પરંતુ તેઓ કોવિડ ડ્યુટીમાં સક્રિય રીતે જોડાયેલા છે.
પહેલા અને બીજા તબક્કા બાદ ત્રીજા તબક્કામાં એવા નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે કે જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે અને તેઓ ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. ચોથા તબક્કામાં એવા લોકોને જોડવામાં આવશે કે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે પરંતુ તેઓ અન્ય ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે.
(સંકેત)