ભોપાલ, 30 સપ્ટેમ્બર 2026: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક સનસનીખેજ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુધવારે વહેલી સવારે, 70 વર્ષીય નિવૃત્ત IAS અધિકારીની તેમના જ ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી (તેમનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું). આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ભોપાલના રતિબાદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા સૂરજ નગર વિસ્તારમાં બની હતી. મૃતકની ઓળખ 70 વર્ષીય નિવૃત્ત IAS અધિકારી રાકેશ અગ્રવાલ તરીકે કરવામાં આવી છે. બુધવારે સવારે લગભગ 5 વાગ્યે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
બીજા રૂમમાં સૂતી હતી પત્ની
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના સમયે રાકેશ અગ્રવાલ તેમની પત્ની સાથે ઘરે હતા. ગુનો બન્યો ત્યારે તેમની પત્ની બીજા રૂમમાં ગાઢ નિદ્રામાં હોવાથી, તેમને આ ઘટનાની તરત જાણ થઈ ન હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને ઘરકામમાં મદદ કરનાર એક વ્યક્તિ પર શંકા ગઈ છે, જે ઘટના બાદથી રહસ્યમય રીતે ગુમ છે.
આઘાતજનક બાબત એ છે કે પીડિતના પરિવારે માત્ર બે દિવસ પહેલા જ એક નવા ઘરઘાટીને કામે રાખ્યો હતો અને ઘટના બાદથી તે નવો નોકર ફરાર છે તથા તેનો કોઈ પત્તો લાગી રહ્યો નથી.
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઉલ્લેખનીય છે કે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ફરાર શંકાસ્પદ વ્યક્તિ તેની સઘન શોધખોળ કરી રહી છે. હત્યા પાછળનો વાસ્તવિક હેતુ જાણવા માટે પોલીસ દરેક સંભવિત પાસાની તપાસ કરી રહી છે, જેમ કે તે અંગત અદાવત, લૂંટ કે અન્ય કોઈ વિવાદનું પરિણામ હતું. આ ઉપરાંત, પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક ટીમ (FSL) ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
વધુ વાંચો: પહેલગામ હુમલાનો આતંકી મૂસા બડગામ એન્કાઉન્ટરમાં ઠાર, પાકિસ્તાની સેનાનો રહી ચૂક્યો હતો પેરા-કમાન્ડો


