1. Home
  2. revoinews
  3. રક્ષાબંધન એટલે સમરસતા ઉપરાંત બળોપાસનાનો પણ ઉત્સવ છે: RSS
રક્ષાબંધન એટલે સમરસતા ઉપરાંત બળોપાસનાનો પણ ઉત્સવ છે: RSS

રક્ષાબંધન એટલે સમરસતા ઉપરાંત બળોપાસનાનો પણ ઉત્સવ છે: RSS

0
Social Share
  • રક્ષાબંધના આજના પાવન પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવકનો સંદેશ
  • રક્ષાબંધન એટલે રક્ષા કરવા માટે વચનબદ્વ થવું
  • રક્ષાબંધન ઉત્સવમાં સામાજીક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીયતાનો બોધ કરાવવામાં આવે છે

અમદાવાદ: આજે છે રક્ષાબંધનનું પર્વ. ભાઇ-બહેન વચ્ચેના અતૂટ પ્રેમ, લાગણી, ભાવનું પર્વ. શ્રાવણી પૂર્ણિમા હિંદુ પવિત્ર દિવસ – રક્ષાબંધન ઉત્સવ દ્વારા મનુષ્યત્વ, ચારિત્ર્ય, સમાજપ્રેમ, નિસ્વાર્થ પ્રેમભાવના અને રાષ્ટ્રને એક સૂત્રે રાખવાનો સંદેશ તેમજ સમાજ, વર્ગ, જાતિ, વંશ વગેરેમાં ભેદ મિટાવી સમરસતાયુક્ત સમાજ સર્જવાનો પ્રયાસ છે.

પ્રાચીનકાળમાં કુળગુરુ રાજાના હાથે રક્ષાસૂત્ર બાંધી રાજાને સમાજ તેમજ રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યનું સ્મરણ કરાવતા હતા. દાનવો સામે લડવા જતાં પોતાના સ્વામી ઇન્દ્રને ઇન્દ્રાણીએ રાખડી બાંધેલી. મહાભારતમાં સમરાંગણમાં જતા અભિમન્યુને દાદી કુંતામાતાએ રાખડી બાંધી હતી. બલિ રાજાના કારાવાસમાંથી પોતાના સ્વામી વિષ્ણુને છોડાવવા લક્ષ્મીજીએ બલિ રાજાને રાખડી બાંધી તેમની રક્ષા માટે વચનદ્વ કરેલા.

ઉપરના પ્રાચીનતમ ઉદાહરણોમાં ક્યાંય ભાઇ બહેન નહીં પરંતુ રક્ષાનો ભાવ આપણને જોવા મળે છે. મધ્યકાલીન યુગમાં વિધર્મીઓના અત્યાચારના કારણે નારી સન્માન તેમજ સંરક્ષણ, પ્રાથમિક આવશ્યકતા બન્યાં હતાં. આથી જ સમાજમાં બહેન પોતાના ભાઇને રાખડી બાંધતી. આજે પણ આ પરંપરા પારસ્પરિક સ્નેહ અને કર્તવ્યની યાદ આપી સ્વસ્થ સમાજને ઘડે છે. સંઘના 6 ઉત્સવોમાંનો એક કે જે માત્ર સમરસતા જ નહીં પણ સાથે સાથે બળોપાસનાનો પણ ઉત્સવ છે. કારણ કે રક્ષાબંધન એટલે  રક્ષા કરવા માટે વચનબદ્વ થવું અને રક્ષા એ જ કરી શકે જે બળવાન હોય માટે આ બળોપાસનાનો પણ ઉત્સવ છે.

સંઘની શાખામાં રક્ષાબંધન ઉત્સવમાં સામાજીક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીયતાનો બોધ કરાવવામાં આવે છે. રક્ષાસૂત્ર દ્વારા સંગઠન સૂત્રને વધુ દૃઢ કરવાનો ભાવ સમાજમાં જાગ્રત થાય તે માટે આપણે રક્ષાબંધન ઉત્સવ ઉજવીએ છીએ.

હિંદુ સમાજમાં રક્ષણ એટલે કોનું રક્ષણ અને શાનું રક્ષણ? રક્ષણ ફક્ત સંકટ સમયમાં આત્મીયજન કે સમાજનાં કે જાનમાલનાં કે સશસ્ત્રદળ જે યુદ્વ કે કુદરતી આપત્તિ વખતે કે આફતે મદદે દોડી આવે છે, તેવી કલ્પના રક્ષાબંધન પાછળ નથી. જે રીતે સંપૂર્ણ માનવશરીરમાં રુધિરાભિસરણથી પ્રત્યેક અંગ અને અવયવોને શક્તિ અને પોષણ મળે છે, તેવી રીતે નિત્યસિદ્વ વ્યવસ્થા સમાજશરીરમાં પણ હોવી આવશ્યક છે. આ ઉત્સવમાં ક્યાંક સમાજ, દેશ અને ધર્મના રક્ષણની વાત વિસ્તૃત થતી દેખાય છે. માત્ર વ્યક્તિ બળવાન હોય તે પુરતું નથી. કારણ કે બળવાન સમાજ કે રાષ્ટ્ર ના હોય તો તે વ્યક્તિ પણ પોતાનું રક્ષણ કરી શકતો નથી. ઉદાહરણ: અંગ્રેજોની 300 વર્ષની ગુલામીના કાળમાં કોઇ દિવસ એવો નહોતો કે તેમની સંખ્યા 35000થી વધારે રહી હોય, શું ભારતમાં સામર્થ્યવાન લોકો નહોતા? શું બળસંપન્ન લોકોની ભારતમાં કમી હતી? ના, પરંતુ તે હજારોમાં પણ એકલા હતા. અસંગઠિત સમાજ એ કોઇપણ રાષ્ટ્રની મોટામાં મોટી દુર્બળતા છે. ઇતિહાસનો ગહન અભ્યાસ કરવામાં આવે તો જે સમયે સમાજ અસંગઠિત થયો તે સમજગાળામાં જ આપણી દુર્દશા થઇ. તેથી સમાજના નબળા વર્ગને સામર્થ્યવાન બનાવવું એ સબળ સમાજની નૈતિક જવાબદારી છે, અને આ પરિસ્થિતિના નિર્માણ માટે સમાજના જુદા જુદા વર્ગોમાં આંતરિક સામંજસ્ય અને એકાત્મતા નિર્માણ થવી જોઇએ જેની શરૂઆત અને નેતૃત્વ સ્વયંસેવકોએ કરવું પડશે.

વર્તમાનકાળમાં આપણે આંતરિક તેમજ બાહ્ય અનેક પડાકારોનો અનુભવ કરીએ છીએ. રાષ્ટ્રજીવનને પ્રભાવિત કરનાર આર્થિક-સામાજીક-રાજકીય કારણોને પહોંચી વળવા માટે સમાજની વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સતત, નિસ્વાર્થ આત્મીયતાનો પ્રવાહ જ શક્તિ પ્રદાન કરી શકે છે. રાષ્ટ્રને બળવાન બનાવવા સમાજને સંગઠિત અને સમરસ કરવો તે જ એકમાત્ર ઉકેલ છે. અને તેનું પુરુષાર્થ રૂપે પ્રગટીકરણ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. શાખામાં કોઇની પણ નાત જાત પૂછ્યા વગર ભારત માતાની જય બોલતા બોલતા, રમતો અને સમતા દ્વારા બંધુત્વ ભાવના નિર્માણ કરવી.

આપણી શક્તિ ક્યારેક ક્ષીણ દેખાય છે જેને કારણે આપણા સમાજનું એક અંગ દુર્બળ બન્યું છે. શાખાની સંગઠન રચનાના માધ્યમથી પરસ્પર પરિવારભાવ જાગ્રત કરીને સમરસ સમાજ બનાવવાનું આપણું લક્ષ્ય છે. રક્ષાબંધન ઉત્સવ દ્વારા આપણે સ્વયંના ઉદાહરણ દ્વારા સમરસસમાજના નિર્માણ માટે સાત્વિક ભાવે આપણો સમાજધર્મ નિભાવીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code