Site icon Revoi.in

અમદાવાદમાં રિક્ષાચાલકોએ ભાડામાં કર્યો વધારો, હવે મીનીમમ ભાડુ 30 વસુલાશે

Social Share

અમદાવાદ,  29 મે, 2026 : Rickshaw pullers increase fare પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થતાં મોંઘવારીમાં વધારો થયો છે. જીવન-જરૂરિયાતની તમામ ચિજ-વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં રિક્ષાના ભાડામાં પણ વધારો થયો છે. સીએનજી ગેસમાં ભાવમાં વધારાને લીધે શહેરના રિક્ષાચાલકોના એસોસિયેશને રિક્ષાના ભાડામાં તોતિંગ વધારો કર્યો છે. હવે પ્રથમ 1200 મીટર (મિનિમમ ભાડું) માટે પેસેન્જરોએ રૂ.20 ચૂકવવા પડતા હતા જેને બદલે હવે રૂ.10નો વધારો કરાતા રૂ.30 ચૂકવવું પડશે. એ પછી 1200 મીટર  પત્યા પછી પ્રતિ કિલોમીટરના રૂ.15 લેવાતા હતા જેમાં રૂ.5નો વધારો કરાયો છે.

સીએનજી ગેસના ભાવમાં સમયાંતરે બેથી ત્રણવાર વધારો થતાં રિક્ષાચાલકોના એસો.એ ભાડામાં વધારો કરવાની સરકાર સમક્ષ માગ કરી હતી. પણ કોઈ નિર્ણય ન લેવાતા રિક્ષા એસોએ ભાડામાં સ્વયંભૂ વધારો કરી દીધો છે. સીએનજીના ભાવ દિવસો-દિવસ વધી રહ્યા છે, જેના કારણે રિક્ષા ચાલકો માટે જૂના ભાડામાં ઘર ચલાવવું કે રિક્ષાનું મેઇન્ટેનન્સ કાઢવું અશક્ય બન્યું હતું. ગેસના સતત વધતા ભારણને સરભર કરવા માટે આખરે એસોસિએશને ભાવ વધારો કરવો પડ્યો છે.

રિક્ષા એસોના સૂત્રોના કહેવા મુજબ રિક્ષા ચાલકો માટે ભાડાને વધારવા કે યથાવત રાખવા માટે રેટ રિવ્યૂ કમિટીની રચના કરવામા આવી હતી, જેમાં ટ્રાન્સપોર્ટ કમિશનરના વડપણ હેઠળ રિક્ષા એસો.ના સભ્યો કમિટી મેમ્બર તરીકે જોડાયેલા છે. કમિટી દ્વારા છેલ્લે 2022માં રિક્ષા ભાડામાં વધારા મુદ્દે બેઠક મળી હતી. દર વર્ષે રેટ રિવ્યૂ કમિટીની બેઠક યોજાવી જોઇતી હતી પરંતુ દર વર્ષે સીએનજીના ભાવમાં વધારો થયો પણ રિક્ષાના ભાડામાં વધારો કરાયો નથી. ટ્રાન્સપોર્ટ કમિશનરને રિક્ષા એસો. દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામા આવતા તેઓ દ્વારા મૌખિક રીતે જણાવ્યું હતું ચૂંટણી વીત્યા બાદ આ મુદ્દે આધિકારી નિર્ણય લેવાશે એ પછી કોઈ નિર્ણય લેવાયો ન હતો. ટ્રાન્સપોર્ટ કમિશનરે જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી રિક્ષા એસો.ને માત્ર આશ્વાસન આપી રહ્યા છે. પરંતુ કોઇ નક્કર કામગીરી કરતા નથી.

Exit mobile version