Site icon Revoi.in

રંગીલા રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં કડક SOP સામે રાઈડ સંચાલકોનો વિરોધ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રાવણ મહિનાથી લોક મેળાની મોસમ ખીલશે. જન્માષ્ટમીના દિને તો ગામેગામ લોકમેળા ભરાતા હોય છે. જેમાં સૌથી મોટો 5 દિવસનો લોકમેળો રાજકોટના રેસકોર્સના મેદાનમાં અગામી તારીખ 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાશે, આ મેળા માટે રાજ્ય સરકારે એસઓપી બનાવી છે. જેના નિયમો એટલા બધા કડક છે, કે તેનું પાલન કરવું રાઈડ સંચાલકો માટે અઘરૂં બની ગયું છે. નવી એસઓપીમાં લોકમેળામાં રાઈડ માટે RCC ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને જીએસટી સાથેના રાઈડના બિલને લઈને રાઈડ સંચાલકો વિરોધ નોંધાવી રહ્યા છે. રાજકોટના લોકમેળામાં 238 સ્ટોલ અને પ્લોટ સામે હજુ સુધીમાં માત્ર 23 ફોર્મ જ ભરાયા છે. જેમાં રાઈડ ભાડે રાખવા માટે એકપણ ફોર્મ ભરાયું નથી. તાજેતરમાં કલેકટરની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્રનો સ્ટાફ, રોડ એન્ડ બિલ્ડીંગના અધિકારીઓની રાઈડ ધારકો સાથે બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠક નિષ્ફળ નીવડી છે.

રંગીલા રાજકોટનો 5 દિવસીય લોકમેળો દર વર્ષે શહેરના રેસકોર્ષના મેદાનમાં યોજાતો હોય છે. ગામ-પરગામથી લાખો લોકો મેળાને માણવા ઉમટી પડતા હોય છે. મેળોમાં ફજેત ફાળકો યાને જુદી જુદી રાઈડ્સ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. સરકારે લોકમેળા માટે કડક નિયમો સાથેની એસઓપી બનાવી છે. પણ એમાં કેટલાક નિર્ણયો અવિચારી લેવામાં આવ્યા હોવાનું રાઈડ સંચાલકો કહી રહ્યા છે. અને આ અંગે કલેકટરને રજુઆત કરવામાં આવી છે. જોકે કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની SOPમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાની ઘસીને ના પાડી દીધી છે.  અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 જુલાઈ છે. તેમાં કોઈ વધારો નહીં કરવામાં આવે તેમ પણ જણાવ્યું છે. તો આ સાથે જ જો છેલ્લી તારીખ સુધી એકપણ રાઈડ સંચાલકો દ્વારા ફોર્મ ભરવામાં નહીં આવે તો આ વખતે રાઈડ વિના લોકમેળો યોજાશે. જ્યારે સામે પક્ષે ગુજરાત મેળા એસોસિયેશનના સભ્યોએ કહ્યું છે કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા 50 વર્ષથી મેળાઓ યોજાય છે. જેમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના થઈ નથી. જેથી ટેમ્પરરી મેળામાં રાઈડ હેઠળ લોખંડની પ્લેટ રાખવાની છૂટ આપવા સહિતની બાંધછોડ કરવામાં આવે તેવી માંગણી છે.

ગુજરાત મેળા એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત મેળા એસોસિયેશનના સભ્યોની કલેક્ટર સાથે બેઠક હતી. કલેકટર દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે SOPમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. મેળો રાઈડસ વિના યોજશું બાકી SOPમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે તેવું કલેક્ટર દ્વારા કહેવામાં આવેલું છે. ટેમ્પરરી લોકમેળામાં યાંત્રિક રાઈડ સંચાલકોને રાહત આપવામાં આવે તેવી માંગણી છે. કારણકે રાજ્ય સરકારની યાંત્રિક રાઈડ હેઠળ RCC ફાઉન્ડેશન અને જીએસટી સાથેનુ રાઈડનું બિલ માંગવામાં આવે છે, જે શક્ય નથી.