
કેરળમાં વધતો કોરોનાનો વ્યાપ દેશમાં લાવી શકે છે ત્રીજી લહેરઃ માત્ર 5 દિવસમાં દોઢ લાખ કેસ નોંધાયા
- કેરળમાં વધી રહ્યા છે કોરોનાના કેસો
- ત્રીજી લહેરની આપી શકે છે દસ્તક
- છેલ્લા 5 દિવસમાં દોઢ લાક કેસ નોંધાયા
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેરની ગતિ જ્યા ઘીમી પડી રહી છે ત્યા બીજી તરફ કેરળમાં વધી રહેલા કોરોનાના કેસો કોરોનાની ત્રીજી લહેરની ભીંતી દર્શાવી રહ્યા છે, છેલ્લા 5 દિવસમાં રાજ્યમાં દોઢ લાખથી પણ વધુ કોરોનાના કેસો નોંધાતા ચિંતાનો વિષય બન્યો છે. કોરોનાના ત્રીજી લહેરના ભય વચ્ચે કોરોનાએ કેરળમાં સતત કહેર ફેલાવ્યો છે.
રાજ્યમાં જો છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો રાજ્યમાં 30 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં કેરળના આંકડાઓને જોડીને દરરોજ 45 હજારથી વધુ નવા કેસ સતત આવી રહ્યા છે. પરિસ્થિતિ વધુ ખરાબ થતી જોઈને, હવે મુખ્યમંત્રી પી. વિજયન આગામી સપ્તાહથી રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ લગાવવાનું એલાન કર્યું છે.
વિતેલા દિવસને શનિવારના રોજ દેશમાં કોરોનાના 45 હજારથી વધુ કેસ નોંધાયા હતા અને તેમાંથી 31 હજારથી વધુ કેસ કેરળના જ નોંધાયા હતા, જે કુલ કેસોના લગભગ 70 ટકા કહી શકાય છે. જ્યારે રાજ્યમાં સંક્રમણ દર શુક્રવારે 19.22 ટકા સુધી પહોંચી ગયો હતો, શનિવારે તે 18.67 ટકા હતો.
કોરોનાથી કેરળની સ્થિતિનો અંદાજો એ રીતે લગાવી શકાય કે, શનિવાર સુધી રાજ્યમાં 2 લાખથી વધુ દર્દીઓ સારવાર હેઠળ હતા. દેશભરમાં કોરોનાના કુલ 3.7 લાખ સક્રિય દર્દીઓ છે અને એકલા કેરળ માં 55 ટકા કેસ જોવા મળે છે. છેલ્લા પાંચ દિવસમાં કેરળમાં 50 હજાર સક્રિય દર્દીઓમાં વધારો થયો છે અને આ દરમિયાન રાજ્યમાં એક લાખ 49 હજાર 814 નવા કેસ સામે આવ્યા છે.