Site icon Revoi.in

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની આજીજી છતાં રેલવે 17 કરોડનો બાકી વેરો ભરતી નથી

Social Share

રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. નાગરિકો તો ગમે તેમ કરીને પ્રોપ્રટી ટેક્સ ભરી દેતા હોય છે. જ્યારે સરકારી મિલ્કતોનો સમયસર ટેક્સ નથી ભરાતો તેથી મ્યુનિ.ને આર્થિક સમસ્યાનો સામનો કરવા પડતો હોય છે. રાજકોટ મ્યુનિ. દ્વારા માર્ચ મહિનો નજીક આવતો હોવાથી બાકીવેરો વસુલ કરવાની ઝૂંબેશ ચલાવવામાં આવી છે. ત્યારે રેલવે દ્વારા 17 કરોડનો બાકી વેરો ન ભરાતા મ્યુનિના ટેક્સ વિભાગના અધિકારીઓ બાકી ટેક્સ ભરવા રેલવેને આજીજી કરી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા, MOU, વેરો ભરવા સંમતિ છતાં એક રૂપિયો પણ ભરવામાં આવ્યો નથી. ત્યારે હવે આરએમસી દ્વારા 17 કરોડના બાકી વેરાને લઈને કન્ટેમપ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા માટેની વિચારણા ચાલી રહી છે. જોકે, મ્યુ. કમિશનરે આ અંગે જણાવ્યું કે, શક્ય ત્યાં સુધી રેલવે તંત્ર સહિત બધી સરકારી કચેરીઓનાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને બાકીવેરો વસૂલવા પ્રયાસ કરાશે.

આરએમસીના સૂત્રોના કહેવા મુજબ ઘણીબધી સરકારી મિલ્કતોનો વેરો બાકી છે. જેમાં રેલવે સાથે તો ઘણાસમયથી વેરા અંગે વિવાદ ચાલી રહ્યો છે. 10 વર્ષ અગાઉ બાકી વેરા માટે રેલવે સામે મ્યુનિ. સુપ્રીમ કોર્ટ સુધી લડી હતી. તે સમયે રેલવે તંત્રએ થોડો વેરો ભર્યો હતો અને કેન્દ્રીય કચેરીએ વેરા ભરવાના હોય નહીં, તેવું વલણ અખત્યાર કર્યું હતું. રેલવે તંત્ર સામેના લાંબા કોર્ટ કેસના અંતે મ્યુનિની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. આમ છતાં રેલવે દ્વારા વેરો ભરવામાં આવતો નથી. રાજકોટમાં જુદા જુદા રેલવે સ્ટેશન, કવાર્ટર, લોકો કોલોની સહિતની રેલવેની મિલકત દાયકાઓથી આવેલી છે. તમામ નાગરિકોની જેમ અહીં રહેતા અને કામ કરતા કર્મચારીઓ, પરિવારોને ડ્રેનેજ, લાઇટ, પાણી, રસ્તા સહિતની સુવિધા આપવામાં આવે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા કયારેય વેરો ભરાતો નહોતો. જેને લઈને પૂર્વ કમિશનર વિજય નહેરાના સમયમાં દિલ્હીથી મજબુત કાનુની માર્ગદર્શન મેળવીને રેલવે સામે સુપ્રીમ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. લાંબી કાનુની લડાઇના અંતે સુપ્રીમનો ચુકાદો આવતા બંને પક્ષે MOU મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ કરવામાં આવ્યા હતા. આ બાદ રેલવેએ વેરો ભરવાનો થતો હતો, જે તે સમયે થોડો ટેકસ ચુકવ્યો હતો. પરંતુ બાદમાં ફરી વેરો ભરવાનું બંધ કરી દેતા સરકારી કચેરી સામે કોર્પો. કડક કાર્યવાહી કરતી ન હતી. અત્યાર સુધીના રેલવે તંત્રના બાકી વેરાની વાત કરવામાં આવે તો અગાઉ રૂ. 30 કરોડના મુળ લેણા સામે અમુક ચાર્જ બાદ કરી રૂ. 17 કરોડ રૂપિયા ભરશે તેવું રેલવેએ કહ્યું હતું. આમ છતાં તેમાંથી પણ કોઇ ટેકસ ભર્યો નથી. આથી સુપ્રીમના ચુકાદાનો અમલ ન કરવા બદલ હવે રેલવે વિભાગ સામે કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કરવા વિચારણા શરૂ થઇ છે. જોકે, સરકારી કચેરીના કારણે અન્ય મિલકતોની જેમ જપ્તી કે સીલના પગલા લઇ શકાતા નથી. ત્યારે હવે મ્યુનિ. દ્વારા અન્ય રસ્તાઓ અપનાવવામાં આવે તેવી શક્યતા છે.

સમગ્ર મામલે મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રેલવે સહિત તમામ સરકારી વિભાગોએ ટેક્સ ભરવો ફરજીયાત હોય છે. રેલવેની મેટર અગાઉ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને તેમાંથી પણ ચુકાદો મ્યુનિની તરફેણમાં આવ્યો હતો. જોકે, રેલવે સહિતની સરકારી કચેરીઓનાં ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન બેઠક કરીને સમસ્યા ઉકેલવા અમારો પ્રયાસ રહેશે.

 

Exit mobile version