રોટી દિનઃ અમદાવાદમાં વસવાટ કરતા ગરીબોને ભોજન પુરુ પાડે છે એક યુવા ગ્રુપ
અમદાવાદઃ શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં યુવાનો રોઝ ડે અને વેલેન્ટાઈન ડે જેવા દિવસોની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ અમદાવાદનું એક ગ્રુપ દર વર્ષે 28મી ફેબ્રુઆરીના દિવસે રોટી દિન તરીકે ઉજવે છે. એટલું જ નહીં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં ફુટપાથ ઉપર વસતા ગરીબોને ભોજન પુરુ પાડે છે. આજે પણ યુવા ગ્રુપના સભ્યોએ ગરીબોને ભોજન પુરુ પાડ્યું હતું.
અમદાવાદ શહેરમાં ગરીબો અને વંચિતો માટે અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ કાર્યરત છે, આ ઉપરાંત રાજ્ય સરકાર પણ વિવિધ યોજના હેઠળ તેમને જરુરી સુવિધાઓ પુરી પાડી રહી છે. શહેરમાં કાર્યરત પ્રજાપતિ ગ્રુપ દર વર્ષે 28મી ફેબ્રુઆરીના રોજ રોટી દિન તરીકે ઉજવે છે. ગ્રુપના આગેવાન કમલેશ પ્રજાપતિ અને નિલેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે, અમારા ગ્રુપ દ્વારા વેસ્ટર્ન કલ્ચરને અપનાવવાને બદલે જરુરીયાતની સેવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને 28મી ફેબ્રુઆરીના દિવસે રોટી દિવસ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં છ વર્ષથી ગ્રુપ દ્વારા રોટી દિન નિમિત્તે ભોજન પુરુ પાડવામાં આવે છે. ગ્રુપમાં 200 જેટલા યુવાનો છે અને શહેરના 15 જેટલા વિસ્તારમાં ફુટપાથ ઉપર રહેતા લોકોને ભોજન પુરુ પાડવામાં આવે છે. સંસ્થાના યુવાનો હવે માત્ર અમદાવાદ શહેર જ નહીં પરંતુ નજીકમાં આવેલા જેતલપુર, મહેમદાવાદ અને ખેડામાં ફુટપાથ ઉપર વસવાટ કરતા ગરીબોને ભોજન જમાડવામાં આવે છે. દર વર્ષે લગભગ 2500થી 3 હજાર લોકોને ભોજન પુરુ પાડવામાં આવે છે. આજે પણ પ્રજાપતિ ગ્રુપ દ્વારા રોટી દિનની ઉજવણી કરવામાં આવી હતી.