રાજકોટ, 12 માર્ચ 2026: RTO campaign against illegal LED lights on vehicles ગાંધીનગરથી મળેલી સુચના બાદ દરેક જિલ્લાના આરટીઓ દ્વારા વાહનો પરની ગેરકાયદે એલઈડી લાઈટ્સ સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટ આરટીઓ દ્વારા છેલ્લા બે મહિનામાં 722 જેટલા વાહનોમાં ગોરકાયદે એલઈડી સામે કેસ કરીને દંડ વસુલવામાં આવ્યો છે. આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, કંપની દ્વારા ફિટ કરવામાં આવેલી હેડલાઈટની જગ્યાએ આફ્ટર-માર્કેટ મળતી અતિશય તેજ સફેદ 72 વોટથી વધુની LED લાઈટ લગાવી શકાતી નથી.
રાજકોટ આરટીઓ દ્વારા છેલ્લા બે મહિનાથી સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે..આરટીઓના આંકડાકીય વિશ્લેષણમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત ‘વ્હાઈટ એલઈડી લાઈટ’ના કેસમાં થયેલો વધારો છે. જાન્યુઆરી મહિનામાં એલઈડી લાઈટના 258 કેસ નોંધાયા હતા, જે ફેબ્રુઆરીમાં વધીને 464 પર પહોંચી ગયા છે. આમ, માત્ર એક જ મહિનામાં આ પ્રકારના ગુનામાં 80% નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે.
આરટીઓના સૂત્રોના જણાવ્યામુજબ રાજકોટ જિલ્લામાં વર્ષ 2026ના પ્રારંભિક બે મહિના એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરવામાં આવેલી આક્રમક ચેકિંગ ઝુંબેશમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આરટીઓના ચેકિંગમાં માત્ર બે મહિનામાં જ 2,629 વાહનચાલક પકડાયા છે. જેમની પાસેથી કુલ રૂ. 92,22,363 જેટલો તોતિંગ દંડ વસૂલવામાં આવ્યો છે. કેસની સંખ્યાની દૃષ્ટિએ ભલે LED લાઈટ આગળ હોય, પરંતુ દંડની રકમની વસૂલાતમાં ઓવરલોડ વાહનોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નિયમ કરતા વધુ માલ-સામાન ભરીને રસ્તાઓ તોડતા અને જોખમ ઊભું કરતા ઓવરલોડ વાહનો પાસેથી બે મહિનામાં આશરે રૂ.40.54 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જે કુલ દંડની રકમના 40% કરતા પણ વધુ હિસ્સો ધરાવે છે. જાન્યુઆરીમાં 1,117 કેસની સામે ફેબ્રુઆરીમાં 1,512 કેસ નોંધીને તંત્રએ પોતાની કામગીરી તેજ બનાવી છે. આ ઝુંબેશ અંતર્ગત લાઇસન્સ વગરના 285 કેસ, ફિટનેસ વગરના 168 કેસ અને પીયુસી (PUC) વગરના 276 કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા આ ગાળામાં કુલ 19 વાહનોને ડિટેન કર્યા છે.
આરટીઓના અધિકારીના કહેવા મુજબ વાહનોમાં કંપની દ્વારા ફિટ કરવામાં આવેલી હેડલાઈટની જગ્યાએ આફ્ટર-માર્કેટ મળતી અતિશય તેજ સફેદ 72 વોટથી વધુની LED લાઈટ લગાવી શકાતી નથી. તેમજ બમ્પર કે છત પર વધારાની તેજસ્વી એલઈડી સ્ટ્રિપ્સ કે ફોગ લાઈટ્સ લગાવવી ગેરકાયદેસર છે, સિવાય કે તે આરટીઓ દ્વારા માન્ય સ્પેસિફિકેશન મુજબની હોય. આ ઉપરાંત હેડલાઈટ કે પાર્કિંગ લાઈટમાં વાદળી, લાલ, લીલી કે અન્ય રંગીન એલઈડી લાઈટો લગાવવી સખત પ્રતિબંધિત છે. લાલ લાઈટ માત્ર પાછળના ભાગે (બ્રેક લાઈટ) અને પીળી લાઈટ ઇન્ડિકેટર માટે જ વાપરી શકાય છે.

