1. Home
  2. ગુજરાતી
  3. રૂપિયામાં ઐતિહાસિક કડાકો: ડોલર સામે ગગડીને 93.94 ની નવી ઓલ-ટાઇમ લો સપાટીએ પહોંચ્યો
રૂપિયામાં ઐતિહાસિક કડાકો: ડોલર સામે ગગડીને 93.94 ની નવી ઓલ-ટાઇમ લો સપાટીએ પહોંચ્યો

રૂપિયામાં ઐતિહાસિક કડાકો: ડોલર સામે ગગડીને 93.94 ની નવી ઓલ-ટાઇમ લો સપાટીએ પહોંચ્યો

0
Social Share

મુંબઈ, 23 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારની નકારાત્મક અસરો વચ્ચે ભારતીય ચલણ રૂપિયામાં મોટો કડાકો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં ભારતીય રૂપિયો સતત દબાણ હેઠળ રહ્યો અને 41 પૈસા તૂટીને અમેરિકન ડોલર સામે 93.94 ની તેની નવી ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને મજબૂત ડોલરે રૂપિયાની કમર તોડી નાખી છે.

ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં રૂપિયો 93.84 ના સ્તરે ખૂલ્યો હતો અને જોતજોતામાં ગગડીને 93.94 ના સ્તરે પહોંચી ગયો હતો. જે તેના અગાઉના બંધ સ્તર 93.53 ની સરખામણીમાં 41 પૈસાનો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શુક્રવારે પણ રૂપિયો ઇતિહાસમાં પહેલીવાર 93 ની પાર ગયો હતો અને 64 પૈસાના જંગી ઘટાડા સાથે બંધ થયો હતો.

ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ઉછાળાએ રૂપિયા પર વધારાનું દબાણ ઊભું કર્યું છે. ભારત હવે ખાડી દેશોમાંથી આયાત થતા તેલ પર પ્રતિ બેરલ લગભગ 50 ડોલર વધુ ચૂકવી રહ્યું છે. જેનાથી દેશનું આયાત બિલ વધ્યું છે અને પરિણામે ડોલરની માંગમાં ભારે તેજી આવી છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદા કારોબારમાં 0.60 ટકાના ઘટાડા સાથે 112.90 અમેરિકી ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું હતું.

ફિનરેક્સ ટ્રેઝરી એડવાઇઝર્સ એલએલપીના ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાલીના જણાવ્યા અનુસાર, “બજારમાં ડોલરની ભારે માંગને કારણે રૂપિયો ઝડપથી ગગડ્યો છે. ભારતીય રિઝર્વ બેંક બજારમાં અલગ-અલગ સ્તરે હાજર હતી, પરંતુ ડોલરની ડિમાન્ડ એટલી વધારે હતી કે તેણે રૂપિયાને પડવા દીધો.” સ્થાનિક શેરબજારોમાં ચાલી રહેલા ઘટાડા અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીએ પણ રૂપિયાને નબળો પાડવામાં મોટો ભાગ ભજવ્યો છે.

યુદ્ધ અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે જોખમ ટાળવાની વૃત્તિ હેઠળ રોકાણકારો ભારતીય બજારોમાંથી પૈસા કાઢીને સુરક્ષિત વિકલ્પો તરફ વળી રહ્યા છે. એક્સચેન્જના આંકડા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે ચોખ્ખા ધોરણે રૂ. 5,518.39 કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન, આરબીઆઈએ શુક્રવારે જાહેર કરેલા આંકડામાં જણાવ્યું હતું કે 13 માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 7.052 અબજ અમેરિકી ડોલર ઘટીને 709.759 અબજ અમેરિકી ડોલર થઈ ગયું છે.

નિષ્ણાતોનું માનવું છે કે જો રૂપિયામાં ઘટાડો આ જ રીતે ચાલુ રહેશે તો આરબીઆઈ તેમાં હસ્તક્ષેપ કરી શકે છે. જોકે, તેલ કંપનીઓ અને વિદેશી રોકાણકારોની ડોલરની માંગ નજીકના ભવિષ્યમાં પણ ઊંચી રહી શકે છે, જેનાથી રૂપિયા પર દબાણ યથાવત રહેવાની આશંકા છે. આ દરમિયાન, ડોલર ઇન્ડેક્સ પણ 0.02% વધીને 99.66 પર ટકી રહ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ડોલર મજબૂત બની રહ્યો છે.

આ પણ વાંચોઃ મિડલ ઇસ્ટમાં તણાવ: ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજો માટે 2 મિલિયન ડોલરનો ટોલ લગાવ્યો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code