રાજકોટ, 16 જુન, 2026 : Saurashtra University launches 15 new employment-oriented courses સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સાયબર સિક્યુરિટી સહિત 15 જેટલા રોજગારલક્ષી કોર્ષ શરૂ કરાયા છે. માત્ર ડિગ્રી મેળવવાથી આગળ વધી હવે વિદ્યાર્થીઓને રોજગારલક્ષી કૌશલ્ય અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબનું જ્ઞાન આપવું સમયની માંગ બની ગઈ છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક સત્રથી 15 નવા સર્ટિફિકેટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ કોર્સો દ્વારા વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફોરેન્સિક સાયન્સ, સાયબર સિક્યુરિટી, આરોગ્ય વ્યવસ્થાપન, ફૂડ ટેક્નોલોજી અને ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી જેવા વિવિધ ક્ષેત્રોમાં વિશેષ તાલીમ અને જ્ઞાન પ્રાપ્ત થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી કુલ 15 નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ કોર્સોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી, સંશોધન, મેનેજમેન્ટ, આરોગ્ય અને કાનૂની ક્ષેત્રોમાં પ્રાયોગિક જ્ઞાન અને વ્યવસાયિક કુશળતા પ્રદાન કરવાનો છે. યુનિવર્સિટીના વિવિધ વિભાગો દ્વારા આ કોર્સોની રચના કરવામાં આવી છે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ફાઇનાન્સિયલ લિટરેસી અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ વિષયક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્સ વિદ્યાર્થીઓને નાણાકીય આયોજન, રોકાણ અને આર્થિક વ્યવસ્થાપન અંગેની સમજ વિકસાવવામાં મદદરૂપ બનશે.
વિજ્ઞાન ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે પણ અનેક નવી તકો ઉપલબ્ધ બની છે. ફોરેન્સિક સાયન્સ, એપ્લાઇડ માઇક્રોબાયોલોજી, સેલ અને મોલેક્યુલર બાયોલોજી તેમજ બાયોપ્રોસેસ ટેક્નોલોજી જેવા વિષયો પર આધારિત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ અભ્યાસક્રમો સંશોધન, લેબોરેટરી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે. આરોગ્ય ક્ષેત્રમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને ઇન્ટિગ્રેટિવ મેડિસિન અને હોસ્પિટલ તથા હેલ્થકેર મેનેજમેન્ટ જેવા કોર્સ પણ શરૂ કરવામાં આવ્યા છે. આરોગ્ય સેવાઓના સંચાલન અને વૈકલ્પિક તેમજ આધુનિક સારવાર પદ્ધતિઓ અંગે જ્ઞાન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમો મહત્વપૂર્ણ બની શકે છે.

