Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અદ્યત્તન લાયબ્રેરીનું NOCના અભાવે દોઢ વર્ષથી લોકાર્પણ થઈ શકતુ નથી

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં 7 કરોડના ખર્ચે અદ્યત્તન લાયબ્રેરી માટેનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ 24 કલાક લાયબ્રેરીને ઉપયોગ કરી શકે એવી સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. લાયબ્રેરીનું અદ્યત્તન બિલ્ડિંગ બનીને છેલ્લા દોઢ વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે. કારણ કે મ્યુનિના ફાયર વિભાગ દ્વારા એનઓસી આપવામાં આવતી નથી. અને ફાયર NOCના અભાવે આ લાઇબ્રેરીનું લોકાર્પણ થઈ શક્યું નથી. કહેવાય છે કે, અંડરગ્રાઉન્ડ વોટર ટેંક સાથે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે આર્કિટેક્ચર દ્વારા રૂપિયા 92 લાખનું એસ્ટીમેટ આપવામાં આવ્યું છે. અને યુનિવર્સિટીને પોતાના સ્વભંડોળમાંથી આ ખર્ચ કરવો પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2021ના અંતમાં અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ કરવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોનાને લીધે 8 માસ સુધી મજૂરો ન આવતા કામ શરૂ થઈ શક્યું ન હતું. જોકે બાદમાં આ બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન શરૂ થયું હતું અને વર્ષ 2024ના શરૂઆતમાં બિલ્ડીંગ સંપૂર્ણ તૈયાર થઈ ચૂકી છે જોકે તેના દોઢ વર્ષ બાદ પણ હજુ આ બિલ્ડીંગનું લોકાર્પણ ન થતા વિદ્યાર્થીઓને નવી લાઇબ્રેરીમાં 24 કલાક વાંચન અને આધુનિક ફેસીલીટીનો લાભ મળ્યો નથી. જેથી તાત્કાલિક ફાયર એનઓસી આવી જાય તો નવી લાઇબ્રેરીનું લોકાર્પણ થઈ શકે તેમ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રૂ. 7 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ ત્રણ માળની લાઇબ્રેરીનું બિલ્ડીંગ કંઈક એ રીતે બનાવવામાં આવ્યું છે કે જેમાં સૂર્યના સીધા કિરણો આ બિલ્ડીંગ ઉપર પડે અને વિદ્યાર્થીઓ એક પોઝિટિવ ઉર્જા સાથે વાંચન કરી શકે. આ ઉપરાંત ઓટોમેથડ સિસ્ટમથી લાઇબ્રેરી કાર્યરત રહેશે એટલે વિદ્યાર્થીઓની એન્ટ્રી અને એક્ઝિટ આઇડી કાર્ડ સ્કેન કરતાની સાથે થઈ શકશે. તેમજ વિદ્યાર્થીઓ કોઈપણ સમયે ડ્રોપ બોક્સમાં પુસ્તક મૂકી પુસ્તક જમા કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે હાલ અહીં ફાયર એનઓસીનું કામ બાકી છે. જે પૂર્ણ થતાની સાથે જ ટૂંક સમયમાં આ અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.

Exit mobile version