- ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમમાં પાણીની આવકમાં વધારો,
- સાંજે 6 કલાકે તમામ 59 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા,
- ડેમના હેઠવાસના ગામોના લોકોને એલર્ટ કરાયા
ભાવનગરઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શૈત્રુંજી ડેમ 19 દિવસ બાદ ફરીવાર છલકાયો છે. ગઈ સાંજના 6 કલાકે ડેમના તમામ 59 દરવાજા એક ફુટ ખોલવામાં આવતા નદીમાં પૂરની સ્થિતિને લઈને કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ઉપરવાસથી ડેમમાં 5310 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. આ સિઝનમાં બીજી વખત અને સતત છઠ્ઠા વર્ષે શેત્રુ઼જી ડેમ ઓવરફ્લો થયો છે.
ભાવનગર જિલ્લામાં ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાએ મન મૂકીને વરસતા જિલ્લાને તરબોળ કરી દીધો છે. આજે સતત ઉપરવાસના વરસાદી નીરની આવકથી સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 19 દિવસ બાદ પુન: ઓરવફ્લો થયો છે. સાંજે 6 કલાકે તમામ 59 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસથી ડેમમાં 5310 ક્યૂસેક પાણીની આવક શરૂ હતી. આ સિઝનમાં બીજી વખત શેત્રુ઼જી ડેમ ઓવરફ્લો થયો છે. પ્રથમ વખત ગત તા. 17 જૂને પાણીની આવક શરૂ થતા માત્ર 25 કલાકમાં ડેમ ઓવર ફ્લો થઈ ગયો હતો. શેત્રુંજી ડેમના ઇતિહાસમાં ચોમાસુ શરૂ થયાના બે જ દિવસમાં માત્ર 25 કલાકમાં ઓવરફ્લો થયાની પ્રથમ ઘટના થઇ હતી. હવે બીજી વાર તમામ દરવાજા ખોલાયા છે. શેત્રુંજી ડેમના દરવાજા ખોલતા અને ઉપરવાસમાંથી સતત પાણીની આવક શરૂ રહેતા શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલિતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. 4317 ચોરસ કી.મીનો સ્ત્રાવ ક્ષેત્ર અને 346.48 મિલિયન ઘન મીટરની જળસંગ્રહ ક્ષમતા ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટો શેત્રુંજી ડેમ 35,750 હેકટર જમીન માટે જીવાદોરી સમાન છે.