1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અસલાલી પોલીસ સ્ટેશનનો નકલી સ્ટેમ્પ બનાવીને RTOમાંથી વાહનોની RC બુક મેળવવાનું કૌભાંડ
અસલાલી પોલીસ સ્ટેશનનો નકલી સ્ટેમ્પ બનાવીને RTOમાંથી વાહનોની RC બુક મેળવવાનું કૌભાંડ

અસલાલી પોલીસ સ્ટેશનનો નકલી સ્ટેમ્પ બનાવીને RTOમાંથી વાહનોની RC બુક મેળવવાનું કૌભાંડ

0
Social Share

અમદાવાદ: સરકારી કામોમાં કૌભાંડ કરવા માટે કેટલાક ભેજાબાજો અવનવી તરકીબો અપનાવતા હોય છે. જેમાં અસલાલી પોલીસ સ્ટેશનનો બનાવટી સિક્કો મારીને ફેક પ્રમાણપત્ર બનાવીને આરટીઓમાંથી વાહનોની આરસી બુક મેળવવાના કૌભાંડનો પડદાફાશ કરાયો છે. જિલ્લાના બારેજાનો RTO એજન્ટ ડુપ્લિકેટ આરસી બુક માટે જાતે જ પીએસઆઈનો  બનાવટી સિક્કો મારતો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે એજન્ટને ઝડપી લીધો હતો. પોલીસે નકલી સિક્કા સહિત આરસી બુકો પણ કબજે કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરેલા શખસનું નામ આરટીઓ એજન્ટ રફીક શેખ છે. અસલાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસનો અશોક સ્તંભવાળો નકલી સિક્કો મારી આરટીઓમાંથી આરસી બુક કઢાવી આપતો હતો. બારેજા પ્રગતિ હોટલ પાસે અમદાવાદ ગ્રામ્ય પોલીસે એજન્ટને ઝડપી લઇ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. કોઇ વાહનની આરસી બુક ગુમ થઈ હોય અથવા તો ચોરાઈ ગઈ હોય તો નવી આરસીબુક મેળવવા માટે પોલીસનું પ્રમાણપત્ર જરૂરી હોય છે. બારેજાના એક આરટીઓ એજન્ટ  રફીક શેખે ડુપ્લિકેટ આરસીબુક માટે અસલાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરનો બનાવટી સ્ટેમ્પ બનાવી દીધો હતો અને જાતે જ આવી અરજીઓ ઉપર સિક્કા મારીને સહી કરી દેતો હતો અને તે પ્રમાણપત્રને આધારે તે ડુપ્લિકેટ આરસી બુક મેળવી આપતો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમને આ બાબતે જાણ થતા તેમણે આરટીઓ એજન્ટને ઝડપી લઇ તેની પાસેથી આવા સ્ટેમ્પ કબજે લીધા હતા અને તેણે કેટલા લોકોને ખોટા પ્રમાણપત્રના આધારે ડુપ્લિકેટ આરસી બુક અપાવી તેની તપાસ શરૂ કરી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આરટીઓ એજન્ટ રફીક શેખ વર્ષો પહેલા અસલાલી પોલીસ સ્ટેશનના રાઇટર હેડ એ. પી. પરમારને ઓળખતો હોવાથી તે પોતાની પાસે ક્રાઇમ રાઇટર હેડનો સિક્કો પણ રાખતો હતો અને એ. પી. પરમારના નામની સહી પણ કરી દેતો હતો. અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળી હતી કે, આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો રફીકમીયા શેખ અસલાલી પોલીસ સ્ટેશનનો બનાવટી સિક્કો તથા પોલીસ સ્ટેશનના ક્રાઈમ રાઈટર એ.પી.પરમારના નામનો સ્ટેમ્પ પોતાની પાસે રાખીને ડુપ્લિકેટ આર.સી.બુક મેળવવા માટે પ્રમાણપત્રમાં પોતાની સહી કરી ખોટા અને બનાવટી પ્રમાણપત્ર બનાવી રહ્યો છે. આથી ગ્રામ્ય  એસઓજીની ટીમે તે જગાએ દરોડો પાડીને રફીક શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 17 પ્રમાણપત્રોની ઝેરોક્સ કે જેમાં અલગ અલગ વાહન ચાલકોના નામ તથા સરનામા અને બનાવટી સિક્કા મારેલી ઝેરોક્સ મળી આવી હતી. ઉપરાંત તેની પાસેથી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસનો અશોક સ્તંભવાળો સ્ટેમ્પ અને ક્રાઈમ રાઈટર હેડના સ્ટેમ્પ  20 આરસી બુક સહિત નું સાહિત્ય મળી આવ્યું હતું . આરોપી છેલા 5 વર્ષ થી સક્રિય હતો. કેટલા વાહનોની આરસીબુક મેળવી હતી તેની વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું હતું કે, રફિકે આર્થિક સંકડામણના કારણે અસલાલી પોલીસ સ્ટેશનનો સિક્કો ચારેક વર્ષ પહેલા આરટીઓમાં આવતાં ભરતભાઈ પટણી પાસેથી બનાવડાવ્યો હતો. કોરોના સમયે ભરતભાઈનું મોત થઈ ગયું હતું. બાદમાં  અસલાલી પોલીસ સ્ટેશનમાં સોળ વર્ષ પહેલાં નોકરી કરતા ક્રાઈમ રાઈટર હેડ એ.પી.પરમારને ઓળખતો હોવાથી તેના નામના બનાવટી સિક્કાઓ બનાવ્યા હતા.  બાદમાં આરટીઓમાં વાહનોની આર.સી.બુક મેળવવા માટે ધક્કા ખાતા વ્યક્તિઓ પાસેથી અલગ અલગ નક્કી થયા મુજબની રકમ મેળવી કમ્પ્યૂટરાઈઝ બનાવેલા પ્રમાણપત્રની ખાલી જગ્યામાં નામ વાહન માલિકનું નામ, સરનામુ તથા વાહનનો એન્જિન, ચેસીસ નંબર તથા મીસીંગ નંબર અને તારીખ લઈને બનાવટી સિક્કા મારીને પ્રમાણપત્રો ડુપ્લિકેટ વાહનોની આરસી બુક કઢાવી આપતો અને આરસીબુક નીકળ્યા પછી જે-તે વાહન માલિકના ઘરે આરટીઓ કચેરીથી બારકોડ સ્ટીકર મારી તેમના નામ, સરનામા ઉપર ટપાલ મારફતે મોકલે તે વખતે તેમના ઓળખીતા ટપાલી મહેશ પરમાર ટપાલનું કવર જે-તે વાહન માલિકને તે કવર આપીને પૈસા કમાતો હોવાનું જાણવા મળ્યું હતુ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code