અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં પણ કેટલાક લોકો દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરીને પૈસા કમાઈ લેતા હોય છે. શહેરમાં રૂપિયા 100નું ટેટ્રાસાઈકલ આન્જેક્શન રેમડેસિવિરના નામે વેચવાનું કૌભાંડ પકડાયુ છે. સાત જેટલા આરોપીઓએ ભેગા મળીને અમદાવાદ, સુરત, રાજકોટ સહિત દરેક જગ્યાએ 5000 રેમડેસિવિર ઈન્જેકશન વેચી નાખ્યાં હતા. આ રેમડેસિવિર ઈન્જેક્શન નહીં, પણ એની જગ્યાએ ટેટ્રાસાઇકલનું 100 રૂપિયાનું ઈન્જેક્શન હતું. હવે આ ઈન્જેકશનની અસર શું થઈ એ શોધવા ક્રાઇમ બ્રાન્ચ પ્રયાસ કરી રહી છે.
શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના સમયે હિતેશ, દિશાત અને વિવેક નાની-મોટી વસ્તુ વેચવા માટે સંપર્કમાં આવ્યા હતા, તેમણે 5000થી વધુ લોકોનો જીવ દાવ પર લગાવી દીધો હતો. આરોપીઓએ ટેટ્રાસાઇકલના 100 રુપિયાના ઈન્જેક્શન ખરીદીને રાયપુરમાં રેમડેસિવિર ઈન્જેકશનનાં સ્ટિકર બનાવ્યાં હતાં. ત્યાર બાદ હયાત હોટલમાં આ જોખમી ઇન્જેક્શનનો સોદો થતો હતો. અમદાવાદથી લઈને અનેક શહેરમાં આ ઈન્જેકશન 5000 લોકોને અપાઈ ગયાં હશે, જેમાં કેટલાકના મૃત્યુ થયા હોવાની આશંકાના આધારે હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. હાલ આરોપીઓ સામે સદોષ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચાંદખેડા ખાતે સનપ્રિત નામની વ્યક્તિ જય ઠાકુરને ઇન્જેક્શન આપવા આવવાનો છે, જેના આધારે ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 20 ઇન્જેક્શન મળી આવ્યાં હતાં. સનપ્રિતને પાલડીમાં રહેતા તેના મિત્ર રાજ વોરા પાસેથી લાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે રાજ વોરાના ઘરે તપાસ કરતાં 10 ઇન્જેક્શન મળી આવ્યાં હતાં. કુલ 30 ઇન્જેક્શન બાબતે પૂછપરછ કરતાં નરોડામાં રહેતા નિતેશ જોશી પાસેથી રૂ. 12000ના ભાવે ઇન્જેક્શન લીધાં હતાં, જે વસ્ત્રાપુર હયાત હોટલમાં રોકાયો છે, જેથી ક્રાઈમ બ્રાન્ચે હોટલ હયાતમાં તપાસ કરતાં નિતેશ જોશી અને તેનો મિત્ર શક્તિસિંહ રાવત મળી આવ્યો હતો.
તેમની પાસે રહેલી બેગમાં તપાસ કરતાં કુલ 103 ઇન્જેક્શન મળી આવ્યાં હતાં અને વેચાણમાંથી રોકડ રૂ. 21 લાખ મળ્યા હતા. આ સમગ્ર ઇન્જેક્શનો વડોદરામાં રહેતા વિવેક મહેશ્વરી પાસેથી લીધાં હતાં. અમદાવાદ ક્રાઇમ બાન્ચે નકલી રેમડીવીસીર ઈન્જેક્શનનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. આ સાથે જ સાત વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી હકીકત સામે આવી છે કે, અમદાવાદ અને વડોદરા સિવાય અન્ય શહેરો સુધી રેમડેસિવિર ઈન્જેક્શનનું નેટવર્ક ફેલાયેલું છે. નકલી ઈન્જેક્શન બનાવીને લોકોને ઉંચી કિંમતે વેંચતા હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે 300 થી વધુ નકલી ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કર્યો છે.