Site icon Revoi.in

સ્કુલવાનના ભાડામાં રૂપિયા 200 અને સ્કૂલરિક્ષાના ભાડામાં 100નો વધારો

Social Share

અમદાવાદ, 8 જુન, 2026 : Increase in school van and school rickshaw fares ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે સ્કૂલવાનના ભાડામાં વિદ્યાર્થી દીઠ રૂપિયા 200 અને સ્કૂલરિક્ષાના ભાડામાં વિદ્યાર્થી દીઠ રૂપિયા 100નો વધારો કરાયો છે. સ્કૂલ વર્ધી એસોસિએશનની મળેલી બેઠકમાં સીએનજી ગેસના ભાવમાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યા છે.

મોંઘવારી રોજબરોજ વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થતાં જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. સ્કૂલ સ્ટેશનરી, સ્કૂલ યુનિફોર્મ, બેગ, શુઝ સહિતના ભાવમાં 10 ટકાનો સરેરાશ ભાવ વધારા બાદ હવે સ્કૂલવાન અને સ્કૂલરિક્ષાના ભાડામાં પણ વધારો કરાતા મધ્યમ વર્ગના વાલીઓ વધુ મુશ્કેલીમાં મુકાશે.

 ગુજરાતમાં CNGમાં ભાવમાં સતત વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલ ભાવની સાથે સાથે CNGના ભાવમાં પણ વધારો થતા હવે CNG નો ભાવ પણ પેટ્રોલ અને ડીઝલની સમક્ષક પહોંચી ગયો છે. જેથી, CNGના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જે પ્રમાણે CNGનો ભાવ પહોંચી ગયો છે એવી સ્થિતિમાં હાલના ભાડા દર પર વાન અને રિક્ષા ચલાવવી મુશ્કેલ બની રહી છે. જોકે, સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં દર ત્રણ વર્ષે વધારો કરવો તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

વર્ષ 2024માં સ્કૂલ વર્ધીના ભાડામાં 200 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. જેથી વાલીઓ પર બોઝ ન પડે તે માટે 2027માં ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2024માં કરેલા ભાડામાં વધારા બાદ અંદાજે 12 રૂપિયા જેટલો CNGના ભાવમાં વધારો થઈ ગયો છે. 11 જૂન 2024ના ભાડામાં વધારો કરાયો ત્યારે CNG નો ભાવ 76 રૂપિયા હતો, જે અત્યારે વધીને 88 રૂપિયા પહોંચી ગયો છે. એટલે ભાડા વધારવાની ફરજ પડી હોવાનું સ્કૂલ વર્ધી એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું.

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં અમદાવાદ સહિત રાજ્યભરના સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેમાં વધતા જતા CNGના ભાવ વધારાને લઈને ભાડામાં કેટલો વધારો કરવો તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જેથી યુનિફોર્મ સહિતની વસ્તુઓમાં ભાવ વધારા બાદ હવે વાલીઓના માથે સ્કૂલ વર્ધીના ભાડાનો પણ બોઝ સહન કરવો પડશે.

Exit mobile version