
અમદાવાદમાં રથયાત્રાને લીધે સુરક્ષામાં વધારો કરાયોઃ બહારથી આવતા વાહનોની તલસ્પર્શી તપાસ
અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામજીની રથ યાત્રા યોજાશે. દર વર્ષે યોજાતી રથયાત્રામાં લાખો લોકો ઉમટી પડતા હોય છે. ગત વર્ષે કોરોનાને લીધે રથયાત્રાએ મંદિરના પ્રાંગણમાં પરિક્રમા કરી હતી. પણ આ વખતે રથયાત્રાને મંજુરી અપાશે તે નક્કી છે, ત્યારે પોલીસે પણ રથયાત્રા પહેલા જ પેટ્રોલિંગ અને બંદોબસ્ત સઘન બનાવ્યો છે. રથયાત્રા એ પોલીસ માટે કસોટીરૂપ બનતી હોય છે. અસામાજિક તત્વો કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે પોલીસે એસટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કર્યો છે. એટલું જ નહીં પણ બહારથી અમદાવાદમાં પ્રવેશતા તમામ વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમયાંતરે રથયાત્રાના રૂટ્સ પર પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેકને પગલે ગુજરાતમાં પણ પોલીસને એલર્ટ કરવામાં આવી છે. રથયાત્રાને હજુ સરકારે વિધિવત્ મંજુરી આપી નથી. પણ મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ પણ એલર્ટ બની ગઈ છે, તે જોતા રથયાત્રાને મંજુરી મળશે તે નક્કી છે. તેથી અષાઢી બીજના તહેવાર અને રથયાત્રાને અનુલક્ષીને ગુજરાતના એરપોર્ટ અને રેલવે સ્ટેશનોની સુરક્ષામાં વધારો કરાયો છે. ગુજરાતની બોર્ડર પાકિસ્તાન સાથે જોડાયેલી હોઇ વધુ તકેદારી રાખવાની સુચના મળી છે. જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેક બાદ અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાયો છે. એરપોર્ટ ટર્મીનલમાં પ્રવેશતા તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટના સુરક્ષા પોઇન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડ પણ તૈનાત કરવામાં આવી છે.