ગાંધીનગર, 28 મે, 2026 : Senior forest officials reach Jasadhar range અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં એક પછી એક એમ 8 સિંહોના બિમારીને કારણે મોતથી ગાંધીનગરથી ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓની ટીમો ગીર પહોંચી છે. હાલમાં અનેક સિંહોને ઓબ્ઝર્વેશન પર એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે. ગીરમાં સિંહબાળના મૃત્યુના પગલે વન વિભાગે સિંહના વેક્સીનેશનની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત વિભાગ દ્વારા ડી ટીકિંગનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે.
ગીર જંગલમાં વર્ષો સુધી ફરજ બજાવી ચૂકેલા જંગલના જાણકાર ઓફિસરો કર્મચારીઓને તાત્કાલિક ગીર પૂર્વની જસાધાર રેન્જમા હાજર થવા હુકમ કર્યો છે. જેમા ડો.રાજન જાદવ સહિત RFO બી.બી.વાળા, RFO એલ.બી.ભરવાડ, RFO આર.કે.પરમાર, RFO વાય.પી.ચાવડા, RFO પી.એન.ચાંદુ સહિત ફોરેસ્ટર વી.જી.સુચારા, ફોરેસ્ટર પી.એમ.રાઠોડ, પી.બી.બાટવા, વી.જે.સિસોદીયા, બી.કે.સોલંકી, એ.ઝેડ.ભારથી, બી.આર.પડતી, બી.વી.બકોતરા, એમ.પી.સાંબડ, જી.એન.સોલંકી, એ.એન.ગઢવી, સહિત ફોરેસ્ટનો સમાવેશ થાય છે.
અમરેલીમાં સિંહોના મોતના વધતા કેસો અને કેનાઇન ડિસ્ટિમ્પર વાયરસ (CDV)ની ચિંતા વચ્ચે મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક બાદ વનવિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ગાંધીનગર વનવિભાગની એક ઉચ્ચ સ્તરીય ટીમ તાત્કાલિક ગીર પહોંચી હતી. જેમાં ગાંધીનગરના PCCF ભવાની પતી, CCF રામ રતન નાલા અને સિનિયર એનિમલ ડોક્ટરોનો સમાવેશ થાય છે. આ ટીમે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બોર્ડર વિસ્તારોમાં સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓનો આ કાફલો જસાધાર એનિમલ કેર સેન્ટર પહોંચ્યો હતો, જ્યાં તાજેતરમાં મૃત્યુ પામેલા સિંહો અંગે ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ, હાલમાં આ સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન (નિરીક્ષણ) હેઠળ રાખવામાં આવેલા અન્ય સિંહોની સ્વાસ્થ્ય સ્થિતિની પણ ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. જોકે, સિંહોના સતત થઈ રહેલા મોતના કારણે પરિસ્થિતિ નાજુક હોવાથી તપાસ ટીમે હાલ પૂરતો મીડિયા સાથે કોઈ પણ વાતચીત કે વિગતો શેર કરવાનો ઇન્કાર કર્યો છે.

