તહેવારોની મોસમ શરૂ થતાં જ ઘરોમાં મહેમાનોની અવરજવર વધી જતી હોય છે. ક્યારેક કોઈ પૂર્વ આયોજન વગર આવી પહોંચે છે તો ક્યારેક સાંજના સમયે ચા પર સગા-સંબંધીઓ કે મિત્રોનો પ્લાન બની જતો હોય છે. આવા સમયે ગૃહિણીઓ સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે ચા સાથે નાસ્તામાં ઝટપટ શું પીરસવું? રસોડામાં કલાકો ગાળ્યા વગર મહેમાનો માટે સ્વાદિષ્ટ અને કુરકુરો નાસ્તો બનાવવો હવે એકદમ સરળ છે. જો તમે પણ આવી મુંઝવણમાં હોવ, તો માત્ર 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જતા આ 5 ચટપટા ઈન્સ્ટન્ટ સ્નેક્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
મસાલા બ્રેડ ટોસ્ટ
જો ઘરમાં બ્રેડ પડી હોય તો તમે ઝટપટ આ ચટપટો નાસ્તો બનાવી શકો છો. આ બનાવવા માટે બ્રેડના નાના ટુકડા કરો. એક વાસણમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, લીલા ધાણા, મીઠું અને થોડો ચાટ મસાલો મિક્સ કરો. આ મિશ્રણને બ્રેડના ટુકડા પર પાથરીને તવા પર થોડું બટર લગાવીને બંને બાજુ ગોલ્ડન શેકી લો. તેને લીલી ચટણી કે સોસ સાથે પીરસો.
ચટપટી મસાલા સીંગદાણા
ચા સાથે કંઈક કુરકુરૂં ખાવાનું મન થાય તો મસાલા સીંગ ઉત્તમ પસંદગી છે. ચટપટી મસાલા સીંગદાણા બનાવવા માટે એક પેનમાં થોડા સીંગદાણા શેકી લો. ત્યારબાદ તેમાં મીઠું, લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને થોડો આમચૂર પાવડર ઉમેરો. સ્વાદ વધારવા માટે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર અને લીંબુનો રસ ઉમેરી શકાય.
ઈન્સ્ટન્ટ વેજ સેન્ડવિચ
હેલ્ધી અને ઝટપટ બનતી વેજ સેન્ડવિચ દરેકને પસંદ આવે છે. બનાવવા માટે બ્રેડ પર લીલી ચટણી કે બટર લગાવો. તેના પર કાકડી, ટામેટાં, બાફેલા બટાકા અને ડુંગળીની સ્લાઈસ મૂકો. ઉપરથી સ્વાદાનુસાર મીઠું અને ચાટ મસાલો છાંટો. બીજી બ્રેડથી ઢાંકીને તવા પર હળવી શેકી લો. જો ઈચ્છો તો ચીઝ પણ ઉમેરી શકો છો.
ચટપટી આલુ ચાટ
બટાકામાંથી બનતી આ ચાટ બાળકોથી લઈને મોટા સૌની ફેવરિટ હોય છે. બનાવવા માટે બાફેલા બટાકાને નાના ટુકડામાં કાપીને પેનમાં થોડું તેલ મૂકી સોનેરી થાય ત્યાં સુધી સાંતળી લો. હવે તેમાં મીઠું, લાલ મરચું અને ચાટ મસાલો ઉમેરો. ઉપરથી લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર નાખીને ગરમાગરમ આલુ ચાટ ઈમલીની ચટણી સાથે સર્વ કરો.
કલરફુલ કોર્ન ચાટ
કોર્ન ચાટ હલકો અને અત્યંત પૌષ્ટિક સ્નેક છે. આ ચાટ બનાવવા માટે બાફેલા સ્વીટ કોર્નને એક બાઉલમાં લઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, કોથમીર, મીઠું, ચાટ મસાલો અને લીંબુનો રસ મિક્સ કરો. તીખાસ માટે લીલા મરચાં પણ ઉમેરી શકાય. આ બધી વસ્તુઓને બરાબર મિક્સ કરીને તરત જ પીરસો.
—


