ગાંધીનગર, 17 ઓક્ટોબર, 2026 : Power crisis in Gujarat ગુજરાતમાં ગરમીમાં વધારો થતા તેમજ કૃષિ ક્ષેત્રે વીજળીની વધુ માગ ઊભી થતાં વીજળીનો વપરાશ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. વીજળીની કટોકટીને પહોંચી વળવા માટે ઊર્જામંત્રી ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમીક્ષા કરી છે. ગુજરાત વીજકંપનીના અધિકારીઓ વધુ વીજળીની માગ સાથે દિલ્હી દોડ્યા છે. ગુજરાતમાં હાલ 26.60 ટકાના ઉછાળા સાથે વીજળીની માગ 29,822 મેગાવોટ પર પહોંચી છે. દિવસે તો રિન્યુએબલ એનર્જીથી જરુરિયાત પૂર્ણ થઈ રહી છે પરંતુ, સાંજે 5 થી 10 વાગ્યા દરમિયાન મુશ્કેલી સર્જાતા ઉર્જામંત્રીએ ઉદ્યોગોને આ સમય દરમિયાન વપરાશ ઘટાડવા અપીલ કરી છે.
ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રે વધતી માંગ અને વીજ પુરવઠાની પરિસ્થિતિ અંગે આજે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને તમામ વીજ કંપનીઓના અગ્રણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વીજ માંગ વધવાના મુખ્ય કારણો, તાત્કાલિક નિવારણ માટે લેવાયેલાં પગલાં અને આગામી સમયની માંગને પહોંચી વળવા માટેના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યમાં ચાલુ વર્ષે નબળા ચોમાસા બાદ પણ તાપમાન સતત ઊંચું રહેતાં કૂલિંગ લોડમાં મોટો વધારો નોંધાયો છે. ઊભા પાકને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે ખેડૂતોને પૂરતા કલાકો વીજળી આપવામાં આવતાં કૃષિ લોડ વધ્યો છે, જે દૈનિક મહત્તમ ૧૨૦૦૦ મેગાવોટ સુધી રહે છે. તેમજ નવરાત્રી અને આગામી દિવાળી તહેવારોને કારણે ઔદ્યોગિક માંગમાં પણ વધારો થયો છે. રાજ્ય અને પાડોશી રાજ્યોમાં ઓછા વરસાદને કારણે હાઇડ્રો પાવર ઉત્પાદન ઘટ્યું છે, જે સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં મહત્તમ મળતું હોય છે. પવનની ગતિ ઓછી રહેવાને કારણે પવન ઊર્જાનું ઉત્પાદન પણ ઓછું થયું છે. પરિણામે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ દરમિયાન રાજ્યની વીજ માંગ ગત વર્ષોની સરખામણીએ આશરે ૧૨% (આશરે ૪,૦૦૦ મેગાવોટ) સુધી વધી છે.
રાજ્યમાં ગઈકાલે તા, 16મી ઓક્ટોબર રોજ રાજ્યમાં અત્યાર સુધીની સર્વોચ્ચ ૨૯,૮૨૨ મેગાવોટ વીજ માંગ નોંધાઈ હતી, જે ગત વર્ષની ઓક્ટોબર ૨૧૮૨૨ મેગાવોટની સરખામણીએ ૩૬.૬% વધુ છે. ગઈકાલે શુક્રવારે દૈનિક વીજ વપરાશ ૫૭૪ મિલિયન યુનિટ રહેલ જે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ૪૫૭ મિલિયન યુનિટ હતા જે વીજ વપરાશમાં થયેલ ૨૭% નો વધારો દર્શાવે છે. કુલ સપ્લાય કરેલ વીજળીમાંથી અંદાજે PGVCL માં ૩૦%, DGVCLમાં ૨૨%, UGVCLમાં ૨૨% અને MGVCL માં ૧૦% તેમજ અન્ય ડિસ્કોમમાં ૧૬% વપરાશ થયેલ છે.
રાજ્ય પાસે વીજ માંગને પહોંચી વળવા માટે પુરતો પુરવઠો ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં હવામાન બદલાતાં માંગમાં પણ ઘટાડો થશે. રાષ્ટ્રહિત અને જનહિતમાં સૌ નાગરિકોને વીજળીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે. શક્ય હોય ત્યાં વીજ વપરાશ દિવસના સૌર કલાકોમાં ગોઠવવો અને સાંજના પીક અવર્સ (સાંજે ૫ થી ૧૧) દરમિયાન બિનજરૂરી વીજ વપરાશ ટાળીને ઊર્જા બચતમાં સહયોગ આપવા ઊર્જા વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.


