Site icon Revoi.in

શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર મુદ્દે વચગાળાના નેતા મુહમ્મદ યુનુસની નિંદા કરી

Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર માટે દેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસની નિંદા કરી છે. શેખ હસીનાએ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધનમાં મુહમ્મદ યુનુસ પર નરસંહાર કરવાનો અને હિંદુઓ સહિત અન્ય લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 1975માં તેમના પિતા શેખ મુજીબુર રહેમાનની હત્યાની જેમ જ મને અને માંરી બહેન શેખ રેહાનાને મારી નાખવાની યોજના હતી. ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં સરકાર વિરોધી પ્રદર્શનોથી દેશ છોડ્યા બાદ શેખ હસીનાનું આ પ્રથમ જાહેર સંબોધન હતું. તેમણે કહ્યું કે ઢાકામાં વર્તમાન સત્તારૂઢ સરકાર લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે. સુશ્રી હસીનાએ કહ્યું કે હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી – કોઈને પણ બક્ષવામાં આવ્યા નથી. ઘણા ચર્ચ, મંદિરો અને બૌદ્ધ મંદિરોનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે હિન્દુઓએ વિરોધ કર્યો ત્યારે ઈસ્કોન નેતાની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે લોકોને હવે ન્યાયનો અધિકાર નથી. તેમણે કહ્યું કે તેમને રાજીનામું આપવાનો પણ સમય નથી મળ્યો. જુલાઈ અને ઓગસ્ટમાં સરકાર વિરોધી પ્રદર્શન બાદ શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારતમાં જ રહે છે.