જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં અવિરત વરસાદને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી દેવસ્થાન બોર્ડે ગઈકાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. આ યાત્રા આજથી શરૂ થવાની હતી.
ગયા મહિનાની 26મી તારીખે મુશળધાર વરસાદને કારણે યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થતાં પહેલા યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી. એક નિવેદનમાં, શ્રાઇન બોર્ડે લોકોને અપીલ કરી છે કે યાત્રા પર જવા માંગતા શ્રદ્ધાળુઓ મીડિયા દ્વારા યાત્રા વિશે નવીનતમ માહિતી મેળવતા રહે. બોર્ડે ખાતરી આપી છે કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તમામ શ્રદ્ધાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે યાત્રા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

