1. Home
  2. revoinews
  3. કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું, નવી ભૂમિકા અંગે હજુ સસ્પેન્સ યથાવત
કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું, નવી ભૂમિકા અંગે હજુ સસ્પેન્સ યથાવત

કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું, નવી ભૂમિકા અંગે હજુ સસ્પેન્સ યથાવત

0
Social Share

બેંગલુરુ, 28 મે 2026કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં પરિવર્તન થયું છે. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું છે. તે સાથે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. જોકે, સિદ્ધારમૈયાએ તેમની ભાવી ભૂમિકા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી તેથી તેમના આગામી પગલા અંગે સસ્પેન્સ યથાવત્ છે.

રાજીનામું આપ્યા બાદ સિદ્ધારમૈયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સૂચનાનું પાલન કર્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યપાલ (થાવરચંદ ગેહલોત) બેંગલુરુમાં હાજર નહીં હોવાથી તેમના સચિવને રાજીનામું સોંપીને આવ્યો છું. રાજ્યપાલ માડી રાત્રે આવશે પછી તેનો સ્વીકાર કરશે અને નવા મુખ્યમંત્રીની નિયુક્તિ માટે માર્ગ મોકળો કરશે.

આ પણ વાંચોઃ સૂર્ય ઊર્જાના ક્ષેત્રમાં અમેરિકાને પાછળ રાખી ભારત બીજા ક્રમે પહોંચ્યું

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યું કે, પોતે 2006માં કોંગ્રેસમાં જોડાયા હતા. હું ગામડેથી આવેલો વ્યક્તિ છું. હું આટલા હોદ્દા પર પહોંચીશ એવું કદી વિચાર્યું નહોતું. રાજકારણમાં આવવાનું એક આકસ્મિક ઘટના હતી કેમ કે મારા પરિવારમાંથી કોઈ રાજકારણમાં નહોતું. બે વાર મુખ્યમંત્રી, બે વખત વિપક્ષના નેતા તરીકે કામગીરી કરી છે એ માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેનો તેમણે આભાર માન્યો હતો.

તેમણે એવો પણ દાવો કર્યો કે, બંધારણ તેમના માટે મહત્ત્વનું છે. પોતે બુદ્ધ, બાબા આંબેડકરને આદર્શ માનતા હોવાનું પણ જણાવ્યું હતું.

આ અગાઉ કોંગ્રેસ હાઈકમાન્ડે મંગળવારે સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારને દિલ્હી બોલાવ્યા હતા, જ્યાં કોંગ્રેસ મુખ્યાલય ખાતે રાહુલ ગાંધી, AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના મહાસચિવો કે.સી. વેણુગોપાલ તેમજ રણદીપ સિંહ સુરજેવાલા સાથે સતત બેઠકોનો દોર ચાલ્યો હતો.

આ પણ વાંચોઃ જેન-ઝી સહિત તમામે વીર સાવરકરને સમજવા માટે આ આઠ ફિલ્મ, નાટક, ડોક્યુમેન્ટ્રી અચૂક જોવી જોઈએ

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શેર કરવામાં આવેલી એક તસવીરમાં, સિદ્ધારમૈયા ભાવુક થયેલા શિવકુમારને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય એક તસવીરમાં, મુખ્યમંત્રી પદના દાવેદાર શિવકુમાર, સિદ્ધારમૈયાના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેતા જોઈ શકાય છે.

અહેવાલો અનુસાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને રાજ્યસભાની બેઠક અને પક્ષમાં મોટી રાષ્ટ્રીય ભૂમિકાની ઓફર કરી છે, પરંતુ એવું જાણવા મળ્યું છે કે સિદ્ધારમૈયાએ આ કેન્દ્રીય ભૂમિકા સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

દક્ષિણના આ રાજ્યમાં નવા મુખ્યમંત્રીની જાહેરાતની આશા વચ્ચે રાજકીય ગરમાવો વધી રહ્યો છે, ત્યારે કર્ણાટકના પ્રભારી અને AICC મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ બુધવારે સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસે રાજ્યમાં ધારાસભ્ય દળની કોઈ બેઠક બોલાવી નથી અને હજુ સુધી આ અંગે કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. તેમણે મીડિયાને આ મુદ્દે અટકળો ન લગાવવા વિનંતી પણ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code