Homeગુજરાતીદેશ-વિદેશગાયક મીકા સિંહે પાક. તરફી પ્રેમ જાહેર કર્યોઃ પાકિસ્તાન ખરાબ નથી, ત્યાંના...

ગાયક મીકા સિંહે પાક. તરફી પ્રેમ જાહેર કર્યોઃ પાકિસ્તાન ખરાબ નથી, ત્યાંના લોકો પણ ખરાબ નથી

મુંબઈ, 6 ઓક્ટોબર 2026: ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે સંકડાયેલા કેટલાક કલાકારો અને ગાયકોનો પાકિસ્તાન પ્રેમ હજુ ઓછો થયો નથી. પ્રસિદ્ધ બોલિવૂડ ગાયક મીકા સિંહે હાલમાં જ એક પોડકાસ્ટ દરમિયાન પોતાના પાકિસ્તાન પ્રવાસની યાદો તાજી કરી હતી. આ સાથે જ તેમણે પાકિસ્તાની અને દુબઈના લોકો અંગે લોકોની માનસિકતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્વારાઓની સ્થિતિ વિશે વાત કરી હતી અને ત્યાં પરફોર્મ કરવા પાછળનું મુખ્ય કારણ પણ જાહેર કર્યું હતું.

એક પોડકાસ્ટમાં વાતચીત કરતી વખતે મીકા સિંહે જણાવ્યું હતું કે, “જ્યારે હું પાકિસ્તાન ગયો ત્યારે મેં જોયું કે આપણા ઘણા મુસ્લિમ ભાઈઓ ગુરુદ્વારાઓમાં સેવા કરી રહ્યા હતા અને સફાઈમાં મદદ કરી રહ્યા હતા. પાકિસ્તાન ખરાબ નથી અને ત્યાંના લોકો પણ ક્યાંયથી ખરાબ નથી. આપણને ખબર નહીં કેમ પાકિસ્તાનના મુસ્લિમો ખરાબ લાગે છે અને દુબઈના મુસ્લિમો ખૂબ સારા લાગે છે, આ વાત મને આજ સુધી સમજાઈ નથી.”

  • પાકિસ્તાનમાં પરફોર્મ કરવા પાછળનું સાચું કારણ

વર્ષ 2019માં પાકિસ્તાન પ્રવાસ અંગે ખુલાસો કરતા મીકાએ કહ્યું કે, “પાકિસ્તાનમાં ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ ગુરુદ્વારાઓ આવેલા છે, જેમાં ગુરુદ્વારા નનકાના સાહેબ અને ગુરુદ્વારા પંજા સાહેબ પણ સામેલ છે. મારા માટે આ કોઈ પૈસાની વાત નહોતી. મારા માટે સૌથી મોટી વાત એ હતી કે ત્યાં પરફોર્મ કરીને મને આ પવિત્ર ગુરુદ્વારાઓના દર્શન કરવાની તક મળી રહી હતી.”

નોંધનીય છે કે ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ તરત જ મીકા સિંહે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના સગાની લગ્નકંકોતરીમાં પરફોર્મ કર્યું હતું. આ કાર્યક્રમ બાદ ભારતમાં ભારે વિરોધ થયો હતો, જેના કારણે ‘ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ’ દ્વારા તેના પર અસ્થાયી બાન મૂકવામાં આવ્યો હતો. જોકે, બાદમાં મીકાએ ઔપચારિક માફી માગતા આ પ્રતિબંધ હટાવી લેવાયો હતો.

પોડકાસ્ટ દરમિયાન મીકા સિંહે ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “હું કદાચ ખોટો પણ હોઈ શકું, પરંતુ મને લાગે છે કે જ્યારે ફિલ્મ ‘બોર્ડર 2’ આવી ત્યારે દિલજીત પાજીએ તેનું ૧ ટકા પણ પ્રમોશન ન કર્યું. તેમણે સની દેઓલ પાજીનો આભાર પણ માન્યો નહીં. મેં ક્યારેય દિલજીતને એમ કહેતા નથી સાંભળ્યા કે સની દેઓલ સાથે મારી ફિલ્મ આવી રહી છે. તેમણે ‘બોર્ડર 2’ વિશે ક્યારેય વાત ન કરી, પરંતુ પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે રિલીઝ થયેલી પોતાની ફિલ્મનું પ્રમોશન ચોક્કસપણે કર્યું હતું.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular