Site icon Revoi.in

અમદાવાદના કાંકરિયા ઝૂમાં વન્યજીવોને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા

Social Share

અમદાવાદ, 10 મે 2026: Special arrangements to protect wildlife from heat શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે પક્ષિઓ અને પશુઓની હાલક પણ કફોડી બની છે. શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોની સુરક્ષા માટે આગવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઝૂમાં પ્રાણીઓ અને પક્ષિઓને ઠંડક મળી રહે તે માટે ખસની ટટ્ટી અને એરકૂલરો મુકવામાં આવ્યા છે. સૂર્યના સીધા કિરણોથી બચાવવા માટે પાંજરાઓ પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે અને યોગ્ય શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે.

શહેરના કાંકરિયા ખાતે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી રક્ષણ આપવા માટે હાઇટેક સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે.  કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં હાલ 2190 જેટલા પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપો વસવાટ કરે છે. અસહ્ય તાપમાનથી બચાવવા માટે સિંહ, વાઘ, દીપડા અને હાથી જેવા પ્રાણીઓના પાંજરા પાસે 38થી 40 જેટલા એર કૂલર લગાવવામાં આવ્યા છે. નિશાચર પ્રાણીઓ માટેના ઝૂમાં ETHE (Earth Tube Heat Exchanger) અને જીઓ-થર્મલ એરેશન સિસ્ટમ કાર્યરત છે, જે અંદરનું તાપમાન સાનુકૂળ રાખે છે. સૂર્યના સીધા કિરણોથી બચાવવા માટે પાંજરાઓ પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે અને યોગ્ય શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે.

આ ઉપરાંત પ્રાણીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે વેટરનરી ડૉક્ટરોની ટીમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવે છે. ગરમીમાં ઠંડક આપવા માટે પ્રાણીઓને તરબૂચ, ટેટી અને શેરડી જેવા ફળો આપવામાં આવે છે. વન્યજીવોના પીવાના પાણીમાં ગ્લુકોઝ અને ORS પાઉડર ઉમેરવામાં આવે છે. જેથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે. વિદેશી પ્રાણીઓ પર ગરમીની વધુ અસર ન થાય તે માટે વેક્સિનેશન, ડિવોર્મિંગ અને મેડિકલ ચેકઅપ માટે રેગ્યુલર રાઉન્ડ લેવામાં આવે છે.

ઝૂના અધિકારીએ જણાવ્યું હતું કે, કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વેકેશનના સમયમાં અંદાજે 3 લાખ જેટલા પ્રવાસીઓ મુલાકાત લેતા હોવાથી તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ માટે ઝૂ સવારે 9થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે. પ્રવાસીઓ માટે પાણીની પરબ, ઠંડક માટે એર કૂલર, ગ્રીન નેટનો છાયડો અને વોટર પોઇન્ટ્સ ઉપલબ્ધ છે. મુલાકાતીઓની સુવિધા માટે ઓનલાઇન ટિકિટિંગ અને ઝૂ ગાઇડની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે.

Exit mobile version