
ટોક્યો ઓલિમ્પિક્સ: બોક્સિંગમાં મેરી કોમની વિજયી શરૂઆત, મિગુએલિના હર્નાડેઝને 4-1થી મ્હાત આપી
- ટોક્યો ઓલિમ્પિક્સમાં મેરી કોમે ફરી પોતાની પ્રતિભાનો આપ્યો પરચો
- મુક્કેબાજીના પ્રથમ રાઉન્ડમાં ડોમિનિકાની મિગુએલિના હર્નાડેઝને 4-1થી મ્હાત આપી
- તેની સાથે તે અંતિમ-16માં પ્રવેશી ચૂકી છે
નવી દિલ્હી: ભારતમાં મહિલા એથ્લેટ્સમાં મિસાલ સમાન અને ભારતની ઓળખ એવી મેરી કોમે ફરી એક વખત પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 8 મેડલ જીતનારી મેરી કોમના મેડલ ખાતામાં વધુ એક મેડલ ઉમેરાઇ ચૂક્યું છે. હકીકતમાં, ટોક્યો ઓલિમ્પિક્સમાં તેણે પહેલા રાઉન્ડમાં ડોમિનિકાની મુક્કેબાજ મિગુએલિના હર્નાડેઝને 4-1થી હાર આપી છે. તેની સાથે તે અંતિમ-16માં પ્રવેશી ચૂકી છે. મેરી કોમનો હવે પછીનો મુકાબલો 29 જુલાઇએ થશે.
આપને જણાવી દઇએ કે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતની તે પહેલી અને એકમાત્ર મુક્કેબાજ છે. વર્ષ 2012માં લંડનમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મેરી કોમે પોતાનું પહેલું વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ વર્ષ 2001માં જીત્યું હતું. તેના નામે 6 ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ છે. મેરી કોમે લગભગ દરેક મોટી ટૂર્નામેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. ઓલિમ્પિકમાં પણ હવે તે ગોલ્ડ મેડલ જીતીને ભારતનો ગોલ્ડનો દુકાળ દૂર કરવા પ્રયાસરત રહેશે તેવી સૌને આશા છે.
મેરી કોમનો જન્મ 24 નવેમ્બર 1982માં મણિપુરના ચુરાચાંદપુરમાં થયો હતો. તે એક ખેડૂત પરિવાર સાથે સંબંધ રાખે છે. તેનું પ્રારંભિક શિક્ષણ લોકટક ક્રિશ્વિયન મોડલ હાઈસ્કૂલમાં ધોરણ 6 સુધી અને સેન્ટ ઝેવિયર કેથલિક સ્કૂલમાં 8 ધોરણ સુધી થયું. ત્યારબાદ ધોરણ-9 અને ધોરણ 10ના અભ્યાસ માટે તેને ઈમ્ફાલની આદિમજાતિ હાઈસ્કૂલમાં લઈ જવામાં આવી. જોકે તે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી શકી નહીં.
મેરી કોમના પિતા એક ગરીબ ખેડૂત હતા. તેની માતા શાલ વણવાનું કામ કરતા હતા. પોતાના 4 ભાઈ-બહેનમાં તે સૌથી મોટી હતી. મેરી કોમે ત્યારબાદ ઓન્લર કોમ સાથે લગ્ન કર્યા. મેરી કોમ બે જુડવા બાળકોની માતા છે.