Site icon Revoi.in

અમદાવાદ,સુરત સહિત 69 સ્થળોએ ફટાકડાના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગે કર્યુ સર્ચ

Social Share

અમદાવાદઃ દિવાળીનો તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ફટાકડાના વેપારીઓ દ્વારા જીએસટીની ચોરી કરાતી હોવાની માહિતી મળતા સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ફટાકડાના વેપારના 69 સ્થળોએ સર્ચ કરવામાં આવતા ગેરહિસાબી વહિવટ અને ટેક્સ ચોરી પકડાઈ હતી. જીએસટીના અધિકારીઓએ તપાસની કાર્યવાહી દરમિયાન 4.33 કરોડની કરચોરી ઝડપી પાડી હતી. જ્યારે અંદાજે 16 કરોડની વેરાકીય જવાબદારી શોધી કાઢવામાં આવી હતી.

ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત શહેરોમાં ફટાકડાના જથ્થાબંધ વેપારીઓ વેચાણના બિલો ન આપીને ટેક્સ ચોરી કરતા હોવાની માહિતી મળતા સ્ટેટ જીએસટીના અધિકારીઓએ ફટાકડાના વેપારીઓના 69 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. ફટાકડાના વેચાણોમાં કેટલાક કેસોમાં બિલ વિના તથા GST કમ્પલાયન્સમાં ગેરરીતિઓ કરવામાં આવતી હોવાનું તપાસમાં ખૂલ્યુ હતુ.કેટલાક ફટાકડાના વેપારીઓ બિલ વગર (કાચી ચિઠ્ઠીઓ દ્વારા) ફટાકડાનું વેચાણ કરી રહ્યા હોવાનો પર્દાફાશ થવા પામ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ તપાસની કાર્યવાહી દરમિયાન 4.33 કરોડની કરચોરી ઝડપી પાડી હતી. જ્યારે અંદાજે 16 કરોડની વેરાકીય જવાબદારી શોધી કાઢવામાં આવી હતી.

જીએસટી વિભાગના સૂત્રોના કહેવા મુજબ ફટાકડાનું કાચી ચિઠ્ઠીઓ દ્વારા વેચાણ થતું હોવાની માહિતીના આધારે એસ.જી.એસ.ટી.ના અધિકારીઓએ ગ્રાહક તરીકે વિવિધ સ્થળોની મુલાકાત લઇને માહિતી મેળવી હતી. આ મેળવેલી માહિતીના વિશ્લેષણ બાદ રાજ્યના 12 શહેરો/તાલુકાઓ અમદાવાદ, સુરત, આણંદ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ, ગાંધીધામ, વાપી, જામનગર, વલસાડ અને મોરબીમાં આવેલી 37 કરદાતાઓના 69 ધંધાના સ્થળોએ રાજયના 200થી વધુ કર્મચારી અને અધિકારીઓ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક સ્થળોએ સ્ટોકમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. જે મોટા પાયે બિલ વિના અને હિસાબમાં દર્શાવ્યા વગરના વેચાણ કરી ગેરરીતિ આચરી હોવાનું ધ્યાને આવ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ, તપાસની કાર્યવાહી બાદ કુલ 4.33 કરોડની કરચોરી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ ઉપરાંત, વિભાગ હવે સંબંધિત કરદાતાઓના આગામી GST રિટર્ન્સ પર પણ નજર રાખશે જેથી તપાસ બાદ કરદાતા દ્વારા વેરાની યોગ્ય પ્રમાણમાં ચુકવણી થાય તે સુનિશ્ચિત થાય. પ્રાથમિક રીતે તપાસ દરમિયાન શોધી કાઢવામાં આવેલ કુલ 4.33 કરોડની કરચોરી ઉપરાંત અંદાજે 16 કરોડની વેરાકીય જવાબદારી પણ શોધી કાઢવામાં આવી છે. જે આગામી રિટર્ન્સમાં દર્શાવવાની થાય છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ ફટાકડાના મોસમી વેપારી દ્વારા ગ્રાહકોને વેચવામાં આવતી વસ્તુનું બિલ નહીં બલ્કે કાચી ચિઠ્ઠીઓ આપવામાં આવતી હોય છે. જેથી બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C) ક્ષેત્રમાં GST નિયમોના પાલનને સુનિશ્ચિત કરવાનો છે.