1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લિથોટ્રીપ્સી દ્વારા ૧૦૦ દર્દીઓની પથરીને કોઈ પણ કાપા વિના દૂર કરાઈ
લિથોટ્રીપ્સી દ્વારા ૧૦૦ દર્દીઓની પથરીને કોઈ પણ કાપા વિના દૂર કરાઈ

લિથોટ્રીપ્સી દ્વારા ૧૦૦ દર્દીઓની પથરીને કોઈ પણ કાપા વિના દૂર કરાઈ

0
Social Share

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ કોઈ વાઢકાપ વિના લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ દ્વારા પથરી કાઢવામાં આવે છે. અને તે પણ સંપૂર્ણપણે પેઇનલેસ. સિવિલ હોસ્પિટલમાં લિથોટ્રીપ્સીની સારવાર શરૂ થયાના ૪૭ દિવસમાં ઓપરેશન વિના જ ૧૦૦ જેટલા દર્દીઓની પથરીની સમસ્યા નિવારવામાં આવી. આમ, રોજના સરેરાશ બે પેશન્ટની સારવાર કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ દ્વારા લિથોટ્રિપ્સીથી ઓપરેશન વગર ૧૦૦ દર્દીઓની કિડની તેમજ પેશાબની નળીમાં રહેલી પથરી દૂર કરવામાં આવી. તમામ દર્દીઓ પીડારહિત સામાન્ય જીવનશૈલીમાં પાછા ફર્યા છે. જેમાં પણ ૮૯% દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણપણે પથરી દૂર થઇ. ૧૧ % કિસ્સામાં બે વાર લીથોટ્રીપ્સી કરી પથરી દૂર કરવામાં આવી.

સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગના વડા ડૉ. શ્રેણીક શાહે જણાવ્યું હતું કે ,અમે અત્યાર સુધી કુલ ૧૦૦ દર્દીઓની પથરીની સારવાર આ પદ્ધતિથી કરી છે. ૧૦૦ દર્દીઓના કિડની અને મૂત્રવાહિનીના પથ્થરોને Extracorporeal Shock Wave Lithotripsy (ESWL)ની મદદથી સફળતાપૂર્વક સારવાર આપી. જેમાં ૩ વર્ષથી લઇ ૮૦ વર્ષ સુધીના દર્દીઓની પથરીની તકલીફ દૂર કરાઇ. આ ૧૦૦ દર્દીઓમાં ૭૨ પુરુષ દર્દી તેમજ ૨૮ સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૪ દર્દીઓમાં ૧૦mm (મિલીમીટર) સાઇઝની, ૫૨ (બાવન) દર્દીઓમાં પથરીની સાઇઝ ૧૦થી ૧૫ mm તેમજ ૧૬ દર્દીઓ એવા હતા જેમની પથરીની સાઇઝ ૧૫ mm કરતાં પણ વધારે હતી. કુલ ૧૦૦ દર્દીઓમાંથી ૩૯ દર્દીઓમાં પથરી કીડનીમાં હતી, જ્યારે ૩૨ દર્દીમાં મૂત્રવાહિનીના શરૂઆતના ઉપરના પેલ્વીસના ભાગમાં તથા ૨૭ દર્દીઓમાં પથરી મૂત્રવાહિનીના ઉપરના ભાગમાં હતી. આ તમામ ૧૦૦ દર્દીઓની સંપૂર્ણપણે પથરી દૂર થઈ છે, તેમ તેમણે જણાવ્યું હતું.

• આ પદ્ધતિથી સારવારના દર્દીઓ માટે મુખ્ય ફાયદા
કોઈ કાપાની જરૂર નથી. દર્દીની તકલીફમાં ઝડપી સુધારો થાય છે અને દર્દીઓ ૧થી ૨ કલાકમાં પોતાની રોજિંદા સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરી શકે છે. સારવારનું ઓછું જોખમ હોય છે. ઓછો દુખાવો, ચેપનું ઓછું જોખમ અને કોઈ મોટી તકલીફ હોતી નથી. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, પ્રાઈવેટ હોસ્પિટલમાં લિથોટ્રીપ્સીની સારવારનો અંદાજિત ખર્ચ ૧૦થી ૧૫ હજાર ₹.થાય છે.જે સિવિલ હોસ્પિટલમાં ખુબ જ નજીવા દરે અને આયુષ્માન કાર્ડ હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવે છે. દર્દીઓ માટે આ નવી સગવડ સરકારી આરોગ્ય ક્ષેત્રમાં નવો માઇલસ્ટોન છે‌. સરકારી સિવિલ હોસ્પિટલમાં છેવાડાના ગરીબ દર્દી માટે લિથોટ્રીપ્સી જેવી આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવી એ રાજ્ય સરકારના આરોગ્ય સેવાઓ સુદૃઢ કરવાના ધ્યેયને સાબિત કરે છે. અમે વધુમાં વધુ દર્દીઓ સુધી આ સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ. કિડ્ની તેમજ મૂત્રમાર્ગમાં રહેલી પથરીની ઓપરેશન વગર સારવાર માટે અમદાવાદ સિવિલ મેડિસિટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આવેલા યુરોલોજી વિભાગમા સંપર્ક કરવાનો રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code