Homeગુજરાતીદેશ-વિદેશઈંગ્લેન્ડમાં અજબ ગેરસમજ: પાકિસ્તાની ક્રિકેટરોને શરણાર્થી સમજીને હોટેલ બહાર વિરોધ પ્રદર્શન

ઈંગ્લેન્ડમાં અજબ ગેરસમજ: પાકિસ્તાની ક્રિકેટરોને શરણાર્થી સમજીને હોટેલ બહાર વિરોધ પ્રદર્શન

લંડન, 10 સપ્ટેમ્બર 2026: ઈંગ્લેન્ડના પોર્ટ્સમાઉથ શહેરમાં પાકિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમ સાથે મેદાનની બહાર એક એવી અચાનક ઘટના બની, જેણે સૌને ચોંકાવી દીધા હતા. જે જૂથને જોઈને વિરોધ પ્રદર્શનો કરવા માટે લોકો હોટેલની બહાર એકઠા થયા હતા, તે વાસ્તવમાં કોઈ શરણાર્થીઓનું દળ નહીં પરંતુ પાકિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમ હતી. જ્યારે પોલીસે અને સ્થાનિક કાઉન્સિલરે સ્થળ પર પહોંચીને સાચી હકીકત મેળવી, ત્યારે પ્રદર્શનકારીઓને પોતાની ભૂલ સમજાઈ અને ભીડ ત્યાંથી શાંતિપૂર્વક ચાલતી બની હતી.

આ આખો મામલો પોર્ટ્સમાઉથની મેરિયટ હોટેલ બહાર બન્યો હતો, જ્યાં પાકિસ્તાનની અંડર-19 ટીમ રોકાઈ છે. સોશિયલ મીડિયા પર વિદેશી નાગરિકોના એક સમૂહના બસમાંથી ઉતરવાની અફવા વાયરલ થયા બાદ અંદાજે 30 થી 40 લોકો હોટેલ બહાર જમા થઈ ગયા હતા. અંતે આ મામલે પોલીસને પણ બોલાવવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ તપાસ કરી ત્યારે ખબર પડી કે જેને શરણાર્થી સમજીને વિરોધ થઈ રહ્યો છે, તે હકીકતમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ છે.

આ મામલાને થાળે પાડવામાં રિફોર્મ પાર્ટીના કાઉન્સિલરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે હોટેલ પ્રશાસન અને પાકિસ્તાની ટીમના કોચ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ બહાર ઉભેલા પ્રદર્શનકારીઓને સમજાવતા તેમણે કહ્યું કે, “તમારા લોકોથી મોટી ભૂલ થઈ ગઈ છે, આ કોઈ શરણાર્થીઓ નથી પરંતુ ક્રિકેટ ક્લબની ટીમ છે.” થોડીવારમાં જ પ્રદર્શનકારીઓ ત્યાંથી નીકળી ગયા હતા.

રિપોર્ટ મુજબ, આ ગેરસમજ એક ઓનલાઈન તસવીરથી શરૂ થઈ હતી. બસમાંથી ઉતરી રહેલા કેટલાક લોકોની તસવીર શેર કરીને અટકળો લગાવવામાં આવી હતી, જો કે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નહોતી. હેમ્પશાયર પોલીસે પણ સ્પષ્ટ કર્યું કે પ્રદર્શનકારીઓની ચિંતા માત્ર ગેરસમજ પર આધારિત હતી અને રાત્રે નવ વાગતા પહેલા ભીડ વિખેરાઈ ગઈ હતી.

  • ઇસીબી દ્વારા સુરક્ષાની સમીક્ષા

આ ઘટના બાદ પોર્ટ્સમાઉથ નોર્થના સાંસદ અમાનડા માર્ટિને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સ્થળાંતર અંગે કાયદેસરની ચર્ચા થઈ શકે છે, પરંતુ તે સચોટ તથ્યો પર આધારિત હોવી જોઈએ, ખોટી અફવાઓ પર નહીં. ઘટના બાદ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડએ પાકિસ્તાની અંડર-19 ટીમની સુરક્ષાનો તાગ મેળવ્યો છે અને બાકીના પ્રવાસ માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની સમીક્ષા શરૂ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની અંડર-19 ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તેણે અરુંડેલ ખાતે ચાર દિવસીય મેચ રમી હતી અને ત્યારબાદ 9 સપ્ટેમ્બરે રમાયેલી યુથ વન-ડે મેચમાં શાનદાર વિજય મેળવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular