રાજકોટ, 29 મે, 2026 : Increasing incidents of dog bites શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જોય છે. અને ડોગ બાઈટના બનાવો વધી રહ્યા હોવા છતાંયે મ્યુનિ. કોર્પોરેશનનું તંત્ર નિષ્ક્રિય છે. વર્ષ 2026ના પ્રથમ 4 મહિનામાં જ 6000 લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાનું સત્તાવાર આંકડા નોંધાયા છે. આરએમસી રખડતા શ્વાનોના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે, છતાં સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની છે. શ્વાન વસ્તી નિયંત્રણની પ્રક્રિયા માટે વાર્ષિક ₹1.13 કરોડ (દરરોજ અંદાજે ₹30,958) જેટલો જંગી ખર્ચ કરવામાં આવે છે. આટલો મોટો આર્થિક બોજ સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી ચૂકવાતો હોવા છતાં ડોગ બાઈટના બનાવોમાં ઘટાડો થયો નથી.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ (PDU) અને પદ્મકુંવરબા હોસ્પિટલ (PKH) ખાતે નોંધાયેલા સત્તાવાર આંકડા અનુસાર, ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ શ્વાન કરડવાના કુલ 5,999 કેસ નોંધાયા હતા. જેમાં જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ 1,695 કેસ નોંધાયા હતા. ફેબ્રુઆરી અને માર્ચમાં કેસોમાં આંશિક ઘટાડો નોંધાયા બાદ, એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીની સાથે બનાવોમાં ફરી ઉછાળો આવ્યો હતો અને એપ્રિલમાં જ 1,553 લોકો ભોગ બન્યા હતા. 4 મહિનામાં મનપાના આરોગ્ય કેન્દ્રોમાં 2,452, સિવિલ હોસ્પિટલમાં 2,224 અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં 1,323 કેસ નોંધાયા છે.
કરોડોના ખર્ચ છતાં પરિણામ શૂન્ય મળતાં શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે કે ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર ચાલે છે અથવા તેમાં ભારે બેદરકારી રાખવામાં આવે છે. આ અંગે મ્યુનિના વેટરનરી ઓફિસર ડૉ. ઉપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે, શ્વાન આક્રમક બનવા પાછળ ઋતુગત ફેરફારો મુખ્ય કારણ છે. ઉનાળાની અતિશય ગરમીને લીધે શ્વાનોમાં શારીરિક તણાવ વધે છે, જેનાથી તેમનો સ્વભાવ ચીડિયો અને હિંસક બને છે.

