Site icon Revoi.in

કુંભમેળા માટે એસટીની વોલ્વો બસનું ટુર પેકેજ, રૂપિયા 8100માં 3 દિવસ,4 રાત્રિનો પ્રવાસ

Social Share

અમદાવાદઃ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કૂંભ સ્નાન કરવા માટે ઉમટી રહ્યા છે. જેમાં ગુજરાતમાંથી ટ્રેનો, ફ્લાઈટ્સ તેમજ ખાનગી વાહનોમાં શ્રદ્ધાળુઓ કૂંભમેળામાં જઈ રહ્યા છે. પ્રયાગરાજ જવા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. તમામ ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. ત્યારે પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભમેળા માટે ખાસ વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરાયું છે. બંને વિભાગોએ સંયુક્ત મળી કુંભ મેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે. રૂ. 8100માં ત્રણ દિવસ અને ચાર રાત્રિના પ્રવાસ કરાવશે. દર સોમવારે અમદાવાદના રાણીપથી વોલ્વો બસ ઉપડશે.

પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં જવા માટે ગુજરાતથી  વિશેષ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. તેમજ ખાસ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે. પ્રવાસીઓ ધસારાને જોતા એરલાઈન્સ દ્વારા ખાસ ફ્લાઈટ પણ ઓપરેટ કરવામાં આવી રહી છે. હવે ગુજરાત એસટી દ્વારા કુંભમેળા માટે વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેના માટે ગુજરાત ટુરિઝમ વિભાગ સાથે મળી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે.

એસટી નિગમના સૂત્રોના કહેવા મુજબ ગુજરાત ટુરિઝમ અને GSRTC દ્વારા કુંભમેળા માટે જે ખાસ પેકેજ તૈયાર કરાયું છે તેમાં યાત્રિકને રૂ. 8100માં 3 દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ કરાવાશે. પેકેજમાં વોલ્વો બસની મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ પૂરી પડાશે. કુંભમેળા માટે એસટી વિભાગની બસ રાણીપ બસ સ્ટેન્ડથી દર સોમવારે ઉપડશે. 27મી જાન્યુઆરીએ પ્રથમ બસને રવાના કરવામાં આવશે. જેમ જેમ પ્રવાસીઓની સંખ્યા વધશે તે રીતે બસની સંખ્યા પણ વધારવામાં આવશે.

રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,  ગુજરાતથી પ્રયાગરાજનું અંતર લાબું છે. જેથી ટ્રાવેલિંગ દરમિયાન શિવપુરીમાં હોટલમાં એક રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવશે. જે મુસાફરો બસમાં જવા માગતા હોય તેઓ ટ્રાવેલીંગ ટાઈમ અને અન્ય સૂચનાઓને ધ્યાનમાં રાખી બુકીંગ કરાવે. પેકેજમાં ટ્રાવેલીંગ અને ત્યાં ડોરમેટરીની વ્યવસ્થા રાખવામાં આવી છે.

Exit mobile version