Site icon Revoi.in

જીકાસ પોર્ટલ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજના વિવાદમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ અટવાયો

Social Share

અમદાવાદ, 14 જુન, 2026 Dispute between GCAS Portal and St. Xavier’s College  ગુજરાતમાં જીકાસ પોર્ટલ દ્વારા તમામ સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજો માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પણ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને જીકાસ પોર્ટલ વચ્ચેના વિવાદમાં મામલો કોર્ટના દ્વારે પહોંચતા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓનો પ્રવેશ અટકી ગયો છે. જીકાસ પોર્ટલ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ વચ્ચેના વિવાદના કારણે બે રાઉન્ડ પૂર્ણ થવા આવ્યા વિદ્યાર્થીઓને પ્રવેશ કઈ રીતે ફાળવવામાં આવશે તેને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. GCAS અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ આમને સામને આવી જતા મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. પરંતુ સુનાવણી ન થતા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અટવાઈ ગઈ છે. જો કે હવે આગામી સુનાવણી 16મીએ યોજાવાની છે.

રાજ્ય સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. બીજી તરફ લઘુમતી સંસ્થા હોવાના આધાર પર સેન્ટ ઝેવિયર્સ કોલેજ પોતાના અલગ ઓનલાઈન પોર્ટલ મારફતે પ્રવેશ પ્રક્રિયા ચલાવવા માંગે છે. જેથી સેન્ટ ઝેવિયર્સ કોલેજે પોતાની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પાસેથી અલગથી ફી લઈને રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. તેમજ એક રાઉન્ડ બહાર પાડ્યા બાદ જીકાસ દ્વારા નોટિસ આપવામાં આવતા તે મેરીટ રદ કરવામાં આવ્યું હતું. તેમજ જીકાસ  દ્વારા મારફતે જ પ્રવેશ પ્રક્રિયા કરવાની સૂચના અપાતા કોલેજે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

રાજ્ય સરકારે કરેલા દાવા મુજબ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં તમામ પ્રવેશ માત્ર જીકાસ  મારફતે જ માન્ય ગણાશે, જ્યારે કોલેજ પોતાની સ્વતંત્ર પ્રવેશ પ્રક્રિયા પર અડગ છે. આ કાનૂની ખેંચતાણ વચ્ચે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. વિવાદના કારણે સૌથી વધુ હાલાકી વિદ્યાર્થીઓને ભોગવવી પડી રહી છે. કોલેજની વેબસાઇટ પર 3 હજારથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે અને 425 ફી પણ ભરી છે. બીજી તરફ હજારો વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલમાં પણ સેન્ટ ઝેવિયર્સને પસંદગી તરીકે પસંદ કરી છે. પરંતુ વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રવેશ આપવામાં આવશે તેને લઈને કોર્ટમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી સારા માર્ક્સ લાવ્યા હોવા છતાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરવામાં આવી નથી. પરિણામે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે આખરે પ્રવેશ કઈ પદ્ધતિથી મળશે અને તેઓએ ભરેલી ફીનું શું થશે. સૌથી મોટો સવાલ એ છે કે જો કોર્ટ જીકાસ  મારફતે પ્રવેશ આપવાનો આદેશ આપે તો કોલેજના પોર્ટલ પર ફી ભરનારા વિદ્યાર્થીઓને પૈસા ક્યારે અને કેવી રીતે પરત મળશે? તેમજ આવા વિદ્યાર્થીઓને જીકાસમાં નવી રજીસ્ટ્રેશન કરાવવા અથવા પસંદગી બદલવાની તક મળશે કે નહીં તે પણ સ્પષ્ટ નથી.

સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં  વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અટવાઈ હોવાથી જલ્દી સુનવણી કરી નિર્ણય લેવા માટે અપીલ કરવામાં આવી છે. જેથી આગામી 16 તારીખે પ્રવેશ પ્રક્રિયાને સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં કઈ રીતે પ્રવેશ પ્રક્રિયા કરવા કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.

Exit mobile version