Site icon Revoi.in

ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીએ સહાધ્યાયીને આંખમાં પરિકર મારતા ગંભીર ઈજા

Social Share

અમદાવાદ, 21 એપ્રિલ 2026: Student seriously injured after hitting classmate in eye with a stick સોશિયલ મિડિયાના વળગણને કારણે બાળકોમાં માનસ પર અસર પડી રહી છે. બાળકો હવે તો સામાન્ય વાતમાં પોતાના મિત્રો પર હિંસક બની મારામારી પર ઉતરી આવતા હોય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના અને છરીથી હુમલાના બનાવો બન્યા છે. ત્યારે વધુ એક આવો બનાવ શહેરના નારોલ-વટવા રોડ પર આવેલી ઈસનપુર પબ્લિક સ્કૂલમાં બન્યો છે.  સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે મારામારી થઈ હતી. કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દેતા ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેનું આપરેશન કરાયું છે. વિદ્યાર્થીના પિતાએ સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના નારોલ વિસ્તારમાં 14 વર્ષીય સગીર તેના માતા-પિતા સાથે રહે છે અને નારોલ-વટવા રોડ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધો. 8માં અભ્યાસ કરે છે. ગઈકાલે 20 એપ્રિલના રોજ સવારે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સ્કૂલે ગયો હતો. 11:30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થઈ હતી તે દરમિયાનમાં તેના એક મિત્રને અન્ય સાથી વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. મિત્ર સાથે બોલાચાલીના ઝઘડામાં આ વિદ્યાર્થી પડ્યો હતો અને બંનેને છોડાવવા લાગ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ અચાનક જ તેની પાસે રહેલું પરિકર કાઢ્યું હતું અને તેની આંખમાં મારી દીધું હતું. આંખમાં પરિકર મારતાની સાથે જ સ્કૂલના વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી અને શિક્ષકોને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વિદ્યાર્થીના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. જેથી તેના માતા પિતા પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીની માતાએ પૂછતા બે વિદ્યાર્થીઓ ઝઘડતા હતા અને તેમને વચ્ચે છોડાવવા પડતા આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા નારોલ પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. નારોલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

આ અંગે નારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.બી.અગ્રાવતે જણાવ્યું હતું કે, ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ક્લાસરૂમમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવાની ઘટના બની છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મામલે વિદ્યાર્થી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Exit mobile version