1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિવિલના કેમ્પસમાં આવેલી GCRIમાં દેશમાં પ્રથમ સૌથી મોટા 10 સેમીના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી
સિવિલના કેમ્પસમાં આવેલી GCRIમાં દેશમાં પ્રથમ સૌથી મોટા 10 સેમીના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી

સિવિલના કેમ્પસમાં આવેલી GCRIમાં દેશમાં પ્રથમ સૌથી મોટા 10 સેમીના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી

0
Social Share

અમદાવાદઃ એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઇ)માં ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી. કદના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી કરાઈ છે. આ સાથે જીસીઆરઆઇએ વધુ એક સિદ્ધિનું સોપાન સર કર્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં બ્રાઉન ટ્યુમરના નોંધાયેલા કેસમાં ટ્યુમરનું કદ મહત્તમ 4 x 7 સેન્ટિમિટરનું નોંધાયું છે, જ્યારે જીસીઆરઆઇમાં જે ટ્યુમરની સર્જરી થઈ છે તે ટ્યુમરનું કદ 10 x 10 સેન્ટિમિટરનું છે. આમ આ અત્યાર સુધીનું સૌથી મોટું જડબાનું બ્રાઉન ટ્યુમર છે.

જીસીઆરઆઇના તબીબોના જણાવ્યા મુજબ કેન્સરની સારવાર માટે ગુજરાતના પડોશી રાજ્યો જેવાકે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તર પ્રદેશ જેવા અન્ય દૂરના રાજ્યોમાંથી પણ દર્દીઓ આવે છે. દૂરના પ્રદેશોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે કારણકે તેમને અહીં સારી સારવાર મળશે તેનો ભરોસો હોય છે. જીસીઆરઆઇમાં ભારતના અત્યાર સુધીના સૌથી મોટા કદના બ્રાઉન ટ્યૂમરની સર્જરી જે દર્દી પર થઈ છે તે દર્દી પણ ઉત્તર પ્રદેશના નિવાસી છે. ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના અમેઠી ગામમાં રહેતા શોભનાથ ગુપ્તાના જડબામાં માર્ચ 2021થી નાના ચણાં જેવડી ગાંઠ થઈ હતી જે ધીરે ધીરે વધીને 10 સેન્ટિમિટરની થઈ ગઈ હતી. જુલાઈ 2021ના અંતમાં તેઓ જીસીઆરઆઇમાં આવ્યા તે પહેલા તેમણે ઉત્તર પ્રદેશની અલગ અલગ 4-5 હોસ્પિટલ્સમાં ઇલાજ માટે ગયા હતાં, પરંતુ ક્યાંય સંતોષજનક સારવાર થઈ નહોતી. દર્દીની આર્થિક સ્થિતિ પણ ખરાબ હતી અને તે મોંઘી સારવાર કરાવી શકે તેમ નહોતા. આખરે એક નજીકના સગાએ જીસીઆરઆઇ વિશે વાત કરતા તે જીસીઆરઆઇમાં આવ્યા હતાં.

જીસીઆરઆઇમાં શોભનાથ ગુપ્તાના ટ્યુમરનો સચોટ તાગ મેળવવા માટે સીટી સ્કેન સહિતના તેમના જુદા જુદા ટેસ્ટ કરવામાં આવ્યા અને આ પેરા થાઇરોઇડનું ટ્યુમર હોવાનું નિદાન થયા બાદ તેમની સર્જરી કરવાનો નિર્ણય લેવાયો. બ્રાઉન ટ્યુમર હોવાના કારણે દર્દીનું હિમોગ્લોબિનનું સ્તર સાવ ઘટી ગયું હતું. આ ડોક્ટર્સ માટે એક જટિલ સમસ્યા હતી, કેમકે આટલા ઓછા લોહીમાં પણ દર્દીની સર્જરી કરીને આટલું મોટું ટ્યુમર કાઢવું તથા દર્દીના જડબામાં પ્લેટિંગની પ્રક્રિયા કરવી તે સૌથી મોટો પડકાર હતો. જેના કારણે સર્જરી પહેલા, સર્જરી દરમિયાન અને તે પછી પણ તેમને લોહી ચડાવવામાં આવ્યું હતું. સર્જરીમાં શોભનાથ ભાઈના ટ્યુમરના મુખ્ય કારણ સમાન થાઇરોઇડની ગ્રંથિ દૂર કરવામાં આવી હતી.

આ સર્જરી અંગે માહિતી આપતા જીસીઆરઆઇના હૅડ એન્ડ નૅક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફૅસર ડૉ. પ્રિયાંક રાઠોડે જણાવ્યું કે શરીરમાં થાઇરોડની પાછળ ચાર બટન જેવડી નાની ગ્રંથિ હોય છે જે પેરા થાઇરોઇડ તરીકે ઓળખાય છે, તેનું શરીરમાં મુખ્ય કામ કૅલ્શિયમનું સ્તર જાળવવાનું હોય છે. પેરા થાઇરોઇડ જો વધુ કૅલ્શિયમનું સ્તર વધઘટ થાય તો શરીરના મોટા હાડકામાં ટ્યુમર થવાની સંભાવના રહેલી હોય છે, જેને બ્રાઉન ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું ટ્યુમર શરીરના બીજા હાડકામાં થવું સામાન્ય ઘટના છે, પણ જડબામાં એ ટ્યુમર થવું ખુબ દુર્લભ હોય છે અને આ પ્રકારનું ટ્યુમર પ્રત્યેક દસ લાખ વ્યક્તિએ એકમાં જોવા મળે છે. વાસ્તવમાં આ એક પ્રકારની ગાંઠ હોય છે.સર્જરી બાદ શોભનાથ ગુપ્તાને સમયાંતરે કેલ્શિયમના ઇન્જેક્શન તથા સ્કૅન તકેદારીના ભાગરૂપે કરવામાં આવશે. આના સ્કેન બહાર ખુબ મોંઘા થાય છે જે જીસીઆરઆઇમાં વિનામૂલ્યે થાય છે. શોભનાથભાઈ પર જે સર્જરી થઈ છે તે અન્ય ખાનગી હોસ્પિટલોમાં કદાચ રૂ. 4-5 લાખમાં થઈ હોત, જે જીસીઆરઆઇમાં તદ્દન વિનામૂલ્યે સંપન્ન થઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code