નવી દિલ્હી, 16 જુલાઈ 2026: દેશની જેલોમાં બંધ વૃદ્ધ, અશક્ત અને ગંભીર બીમારીઓથી પીડાતા કેદીઓ પ્રત્યે માનવીય અભિગમ અપનાવતા સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક આદેશ આપ્યો છે કે, 70 વર્ષથી વધુ ઉંમરના, લાઈલાજ અથવા ગંભીર બીમારીથી પીડાતા તેમજ શારીરિક રીતે અક્ષમ કેદીઓની માનવીય ધોરણે વહેલી મુક્તિ માટે આગામી ત્રણ મહિનાની અંદર એક સ્પષ્ટ અને પારદર્શક નીતિ તૈયાર કરવામાં આવે.
- દયામૂલક મુક્તિ માટે સમાન માર્ગદર્શિકાની માંગ
ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની ખંડપીઠે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ જાહેર કર્યો હતો. અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, દેશભરની જેલોમાં વૃદ્ધ અને શારીરિક રીતે નબળા કેદીઓની સંખ્યા સતત વધી રહી છે. આ કેદીઓમાંથી ઘણા ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે અને જેલ પ્રશાસન તેમને પૂરતી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં અસમર્થ સાબિત થઈ રહ્યું છે. આવા કેદીઓને લાંબા સમય સુધી જેલમાં રાખવા એ બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) અને કલમ 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) નું સ્પષ્ટ ઉલ્લંઘન છે, તેમજ તે આંતરરાષ્ટ્રીય માનવાધિકારના ધોરણોની પણ વિરુદ્ધ છે.
-
નવી નીતિમાં કઈ બાબતો સામેલ રહેશે?
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે રાજ્યો દ્વારા બનાવવામાં આવનારી નવી નીતિમાં નીચેની બાબતોનો ફરજિયાત સમાવેશ થવો જોઈએ:
પાત્રતાની શરતો: કયા કેદીઓ આ યોજનાનો લાભ લઈ શકશે તેની સ્પષ્ટ યોગ્યતા.
ટર્મિનલ ઇલનેસ (લાઈલાજ બીમારી): આ શબ્દની તબીબી અને કાનૂની વ્યાખ્યા સુનિશ્ચિત કરવી.
સ્વતંત્ર મેડિકલ બોર્ડ: કેદીઓની તબીબી તપાસ કોઈ પૂર્વગ્રહ વિના નિષ્પક્ષ રીતે થાય તે માટે સ્વતંત્ર બોર્ડની રચના.
સમયબદ્ધ નિકાલ: વહેલી મુક્તિ સંબંધિત તમામ અરજીઓનો કોઈપણ બિનજરૂરી વિલંબ વિના ઝડપી નિકાલ કરવો.
-
ઈ-પ્રિઝન્સ પોર્ટલ દ્વારા ડિજિટલ મોનિટરિંગ થશે
અદાલતે નિર્દેશ આપ્યો છે કે સમય પૂર્વે મુક્તિની આ સમગ્ર પ્રક્રિયા ‘ઈ-પ્રિઝન્સ પોર્ટલ’ દ્વારા ઓનલાઈન સંચાલિત કરવામાં આવે. અરજી દાખલ કરવાથી લઈને મેડિકલ તપાસ, જેલ સત્તાવાળાઓનો અહેવાલ, અંડરટ્રાયલ રિવ્યુ કમિટીની ભલામણ અને સક્ષમ સત્તાધિકારીના અંતિમ નિર્ણય સુધીની તમામ પ્રક્રિયા ડિજિટલ રેકોર્ડ પર રહેશે. આ પોર્ટલમાં ડેડલાઈન મોનિટરિંગ અને એલર્ટ સિસ્ટમ હશે જેથી વિલંબ અટકાવી શકાય. અદાલતે કેદીઓની તબીબી અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા જાળવવા પર પણ ભાર મૂક્યો છે. આ માટે કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલય, ગૃહ મંત્રાલય અને NIC ને રાજ્યોને ટેકનિકલ સહાય પૂરી પાડવા આદેશ અપાયો છે. તમામ રાજ્યોએ આગામી 6 મહિનામાં આ અંગેનો કમ્પ્લાયન્સ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.


