કાઠમંડુ, 16 જુલાઈ 2026: એક અદાલતે નેપાળના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ટોપ બહાદુર રાયમાઝીને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. લોકોને ભૂતાની શરણાર્થી તરીકે રજૂ કરીને અમેરિકા મોકલવાના કૌભાંડમાં તેઓ દોષિત સાબિત થયા હતા. ભૂતપૂર્વ ગૃહમંત્રી બાલ કૃષ્ણ ખાંડને પણ બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. આ કેસ ‘નકલી ભૂતાની શરણાર્થી કૌભાંડ’ તરીકે ઓળખાય છે.
કાઠમંડુ જિલ્લા અદાલતના ન્યાયાધીશ તેજ બહાદુર ખડકાની સિંગલ બેન્ચે 16 દોષિત વ્યક્તિઓને સજા સંભળાવતી વખતે રાયમાઝી પર 40,000 નેપાળી રૂપિયા અને ખાંડ પર 20,000 નેપાળી રૂપિયાનો દંડ ફટકાર્યો.
અદાલતે તેના આદેશમાં જણાવ્યું હતું કે આનાથી નેપાળી નાગરિકોની ગરિમાને સીધી રીતે ઠેસ પહોંચી છે. બનાવટી દસ્તાવેજો બનાવવા, છેતરપિંડી, સંગઠિત ગુનાખોરી અને રાજ્ય વિરુદ્ધના ગુનાઓના આરોપસર 30 વ્યક્તિઓ સામે 24 મે, 2023ના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો.
મે અને જુલાઈ 2024માં બે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અદાલતે 16 આરોપીઓને દોષિત ઠેરવ્યા, સાતને નિર્દોષ જાહેર કર્યા અને ફરાર થયેલા આઠ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી તેમની સામેની કાર્યવાહી સ્થગિત રાખવાનો આદેશ આપ્યો.
નેપાળમાં નકલી ચલણનું રેકેટ ચલાવવા બદલ ધરપકડ કરાયેલા છ લોકોમાં એક ભારતીય
નેપાળમાં નકલી ચલણી નોટો છાપતી એક ટોળકીનો પર્દાફાશ થયા બાદ બુધવારે એક ભારતીય નાગરિક સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 6,22,000 નેપાળી રૂપિયાની કિંમતની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે લુમ્બિની પ્રાંતના બુટવાલ શહેરમાં આ ધરપકડ કરવામાં આવી હતી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે બુટવાલના એક મકાનમાં દરોડો પાડીને બંગાળના વતની એવા 49 વર્ષીય બસુ મિત્ર આનંદની પાંચ નેપાળી નાગરિકો સાથે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકો પાસેથી નકલી ચલણ છાપવાના મશીનો, ફોટોકોપિયર, લેપટોપ, પ્રિન્ટર અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
વધુ વાંચો: બરેલીના નવાબગંજમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત


